જામનગર : હવાલા કૌભાંડમાં રાજકોટના યુવકનું પરિવાર સાથે અપહરણ કરી 9.75 લાખની ખંડણી વસુલાઈ
જામનગર, 27 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં વ્હાઇટના નાણાં બ્લેક કરવાના (હવાલા) વ્યવહારમાં એક અપહરણ અને ખંડણીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના એક યુવકે સમયસર નાણાં ન ચૂકવતા, જામનગરના કુખ્યાત શખ્સોએ યુવક, તેની પત્ની, ત્રણ વર્ષની માસૂમ પુત્રી અને
યુવાન નું અપહરણ કરનાર આરોપી ઝડપાયા


જામનગર, 27 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં વ્હાઇટના નાણાં બ્લેક કરવાના (હવાલા) વ્યવહારમાં એક અપહરણ અને ખંડણીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના એક યુવકે સમયસર નાણાં ન ચૂકવતા, જામનગરના કુખ્યાત શખ્સોએ યુવક, તેની પત્ની, ત્રણ વર્ષની માસૂમ પુત્રી અને મિત્રનું ચોટીલા ટોલ નાકા પાસેથી ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. આ આરોપીઓએ પરિવારને જામનગરના એક બંગલામાં ગોંધી રાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 9.75 લાખ પડાવી લીધા હતા. અંતે પોલીસની સમયસૂચકતાથી યુવકનો છુટકારો થયો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતા અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ ભુપતભાઈ તન્નાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે 15 વર્ષથી તેમના પરિચિત એવા જામનગરના ચિરાગ આહિરે તેમને સંપર્ક કરી જણાવ્યું હતું કે તેના મિત્ર જયદિપસિંહ જાડેજા ઉર્ફે લાલાને 'વ્હાઇટના નાણાં બ્લેક' કરવાના છે. આ વ્યવહારમાં નિમેષભાઈને 1 લાખ દીઠ 700 રૂપિયા કમીશન મળવાનું હતું. આથી નિમેષભાઈએ તેમના મિત્ર લખન ઘેડીયાના પરિચિત દષ્ટાંત કાપડીના બેંક ખાતાની વિગતો આપી હતી.

ગત તારીખ 24 એપ્રિલ 2026ના રોજ જયદિપસિંહે આ ખાતામાં કુલ રૂ. 27,20,000 ટ્રાન્સફર કર્યા હતા. નિમેષભાઈએ આ રકમ ઉપાડીને અલગ-અલગ જગ્યાએ આંગડિયા મારફતે મોકલી દીધી હતી, પરંતુ જયદિપસિંહને પરત કરવાના થતા નાણાં આપવાને બદલે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. જ્યારે ફોન ચાલુ કર્યો ત્યારે આરોપીઓએ નાણાંની ઉઘરાણી કરતા નિમેષભાઈએ 'પૈસા વાપરી નાખ્યા છે' તેમ કહેતા મામલો બિચક્યો હતો.

ધમકીઓથી ડરી ગયેલા નિમેષભાઈ તન્ના પોતાની પત્ની સપનાબેન, 3 વર્ષની પુત્રી યશવી, મિત્ર લખન અને ડ્રાઈવર સાથે વર્ના કારમાં રાજકોટથી અમદાવાદ અને ત્યાંથી ફ્લાઈટ પકડી મુંબઈ ભાગી જવાની ફિરાકમાં હતા. જોકે, રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ તેઓ જેવી ચોટીલા ટોલ નાકે પહોંચ્યા, ત્યારે જ આરોપીઓએ સ્કોર્પિયો કાર આડી નાખી તેમને આંતરી લીધા હતા.

સ્કોર્પિયોમાંથી જયદિપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચો, અક્ષય ચાવડા અને એક અજાણ્યો શખ્સ નીચે ઉતર્યા હતા. આરોપીઓએ નિમેષભાઈની કારમાં કબજો જમાવી, પરિવાર અને મિત્રોને અલગ-અલગ ગાડીમાં બેસાડી બંધક બનાવી લીધા હતા અને તેમને જામનગર તરફ પાછા લઈ આવ્યા હતા.

આરોપીઓ સમગ્ર પરિવારને જામનગર ગીતામંદિર પાસે આવેલા એક બંગલામાં લઈ ગયા હતા. ત્યાં નિમેષભાઈને એક રૂમમાં પૂરી દઈ તેમના મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યા હતા. તારીખ 25 એપ્રિલના રોજ સવારે આરોપીઓએ ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં આપે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું.

મૃત્યુના ભય હેઠળ નિમેષભાઈએ પોતાના મિત્રો અને ભાઈને ફોન કરી અલગ-અલગ આંગડિયા પેઢી મારફતે કુલ 9.75 લાખ રૂપિયા મંગાવ્યા હતા. આ તમામ રકમ આરોપી અમિત ચાવડાના નામે મેળવવામાં આવી હતી. આટલી રકમ વસૂલ્યા પછી આરોપીઓએ પત્ની, પુત્રી અને મિત્રને છોડી દીધા હતા, પરંતુ બાકીની રકમ માટે નિમેષભાઈને જનતા ફાટક પાસે આવેલી અક્ષય ચાવડાની ઓફિસે લઈ જઈ ત્યાં ગોંધી રાખ્યા હતા. ત્યાં જયદિપસિંહ જાડેજાએ નિમેષભાઈને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો અને સોમવાર સુધીમાં બાકીના પૈસા ન મળે તો છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી હતી.

દરમિયાન આ ઘટનાની જાણ પોલીસને થતા, પોલીસે તાત્કાલિક દરોડો પાડી નિમેષભાઈને આરોપીઓના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસે આ મામલે નિમેષભાઈની ફરિયાદ પરથી મુખ્ય આરોપી જયદિપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચો, અક્ષય ઉર્ફે અપો ચાવડા, અમિત ચાવડા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે આ કેસમાં કલમ 61 (ગુનાહિત કાવતરું), 115(2), 119(1), 127(7) (ગેરકાયદે અટકાયત), 140(2) (અપહરણ), 142, 308(5) (ખંડણી), 351(3) અને 353 મુજબ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુરભીબેન ગગનભાઇ કેશવાલા ચલાવી રહ્યા છે. આ ઘટનાએ જામનગર અને રાજકોટના નાણાકીય બજારમાં ભારે ચકચાર જગાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande