
જુનાગઢ, 27 એપ્રિલ (હિ.સ.) : હાલમાં વધી રહેલી ગરમી અને હીટ વેવની સ્થિતિને ધ્યાને રાખીને માળીયાહાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. માળીયાહાટીના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભી ના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ ગામોમાં આશા બહેનો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ લૂ (હીટ વેવ) થી બચવા માટેના ઉપાયો અંગે સમજૂતી આપવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત ખાસ કરીને ખેત મજૂરો, શ્રમિકો અને નાના બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને લોકોને ORS (ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટ) ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પ્રાયોગિક સમજૂતી પણ આપવામાં આવી હતી.
વધુમાં, તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને પેટા આરોગ્ય કેન્દ્રો (Sub-Centers) પર ખાસ 'ORS Corner' કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં આવતા દર્દીઓ અને મુલાકાતીઓને તાત્કાલિક જીવનરક્ષક ઓલર રીહાઇડ્રેશન સોલ્યુશન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ડો. ડાભી એ જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. જો કોઈને ચક્કર આવે, ઉલટી થાય કે અતિશય નબળાઈ લાગે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રના 'ORS કોર્નર' નો લાભ લેવો અથવા તબીબનો સંપર્ક કરવો જોઈએ.
આરોગ્ય કર્મચારીઓએ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ કે લીંબુ શરબત જેવા પ્રવાહી લેવા માટે અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ