ભુજમાં ડો. જ્ઞાનવત્સલ સ્વામીનો સંસ્કાર સંદેશ : “પરિવારને આધુનિકતા સાથે અધ્યાત્મનો આધાર જરૂરી”
કચ્છ, 27 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરના એરપોર્ટ રિંગરોડ ઉપર આકાર લઈ રહેલા ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નવા પરિસરમાં રવિવારે એક ભાવવિભોર અને પ્રેરણાદાયી પારિવારિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત, જાણીતા વક્
ડો.જ્ઞાનવત્સલ સ્વામી


કચ્છ, 27 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરના એરપોર્ટ રિંગરોડ ઉપર આકાર લઈ રહેલા ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નવા પરિસરમાં રવિવારે એક ભાવવિભોર અને પ્રેરણાદાયી પારિવારિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત, જાણીતા વક્તા અને પ્રેરક વ્યક્તિત્વ ધરાવતા ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ ઉપસ્થિત નગરજનોને પરિવારજીવન, સંસ્કાર અને આધ્યાત્મિકતા અંગે ઊંડો સંદેશ આપ્યો હતો.

સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્તો અને નાગરિકોને સંબોધતા ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું કે આજના ઝડપી બદલાતા યુગમાં પરિવાર માત્ર આર્થિક રીતે સમૃદ્ધ બને એટલું પૂરતું નથી, પરંતુ તે પરંપરાગત મૂલ્યોમાં સ્થિર, આધુનિક વિચારોમાં સજ્જ અને વૈશ્વિક દ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે જીવનની દિશા જો માત્ર ભૌતિક સુખ તરફ વળે તો સંબંધોમાં ખાલીપો આવે છે, જ્યારે અધ્યાત્મ પરિવારને એકતામાં બાંધે છે.

તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં મંદિરો હંમેશાં સમાજના નૈતિક અને આધ્યાત્મિક કેન્દ્ર રહ્યા છે. મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, પરંતુ જીવન જીવવાની સાચી રીત શીખવતું પ્રેરણાધામ છે. બીએપીએસ સંસ્થા દ્વારા વિશ્વભરમાં ચાલતા હજારો મંદિરો અને સંસ્કાર કેન્દ્રોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ભુજમાં નિર્માણ પામતું આ વિશાળ મંદિર પણ આવનારી પેઢીને સંસ્કાર, સેવા અને શ્રદ્ધાનું દિશાદર્શન કરાવશે.

પરિવારના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું કે માતા-પિતા જો સંતાનોને સંસ્કારનું સિંચન નહીં કરે તો ભવિષ્યમાં સંપત્તિ હોવા છતાં સંતતિથી વંચિત થવાનો દુખદ સમય આવી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, સંવાદ, નૈતિકતા અને ધર્મનિષ્ઠા જળવાઈ રહે તે માટે ઘરમાં આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ કરવું અનિવાર્ય છે.

તેમણે વૈશ્વિક જીવનશૈલીની ચર્ચા કરતાં કહ્યું કે આજનો ભારતીય વિશ્વના કોઈપણ ખૂણે વસતો હોય, છતાં તેની ઓળખ પોતાની સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાથી જ બને છે. દેશ-વિદેશમાં પ્રગતિ કરતા યુવાનો ભારતીય સંસ્કારો સાથે જોડાયેલા રહે એ સમયની માંગ છે. પારિવારિક મૂલ્યોનું સંરક્ષણ થશે તો જ સમાજ મજબૂત બનશે અને મજબૂત સમાજથી જ મહાન રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે.

સભામાં તેમણે એક અસરકારક ઉપમા આપતાં કહ્યું કે જેમ શરીરને તંદુરસ્ત બનાવવા માટે વ્યાયામ જરૂરી છે, મનને મજબૂત કરવા વાંચન જરૂરી છે અને બુદ્ધિને જાગૃત કરવા સદ્વિચાર જરૂરી છે, તેમ જીવનને સાચી શક્તિ આપતી બાબત છે શ્રદ્ધા અને ભક્તિ. મંદિરો આ શ્રદ્ધાને જીવંત રાખે છે અને વ્યસનમુક્ત, શિસ્તબદ્ધ તથા પવિત્ર જીવન જીવવાની પ્રેરણા આપે છે.

ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ વધુમાં જણાવ્યું કે બીએપીએસ સંસ્થા વિશ્વસ્તરે સેવાકાર્યો, સંસ્કાર પ્રવૃત્તિઓ અને માનવકલ્યાણ માટે આગવું સ્થાન ધરાવે છે. ભુજમાં ઊભરતું આ મંદિર માત્ર ધાર્મિક સ્મારક નહીં, પરંતુ શહેરની વિકાસયાત્રા, સંસ્કૃતિયાત્રા અને વિરાસતનું પ્રતિક બનશે.

પ્રેરણાસભાની શરૂઆત ધૂન અને પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ બાળમંડળના બાળકોએ સંસ્કૃત શ્લોકોનું સુમેળભર્યું ગાન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કચ્છના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પહોંચેલા હરિભક્તો, મહાનુભાવો અને નગરજનોએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો.

સભાના અંતે આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા અને આભારવિધિ કોઠારી વિવેકમંગલ સ્વામી દ્વારા સંભાળવામાં આવી હતી. આ અવસરે અખંડસેવા સ્વામી, પરમચૈતન્ય સ્વામી તથા સ્નેહજીવન સ્વામી સહિતના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રેરણાસભાએ ભુજમાં આધ્યાત્મિક જાગૃતિ સાથે પારિવારિક સંસ્કારની નવી ચેતના જગાવી હોવાનું ઉપસ્થિતોમાંથી વ્યક્ત થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande