કાળઝાળ તાપમાં અબોલ જીવ માટે માનવતાની છાંયડી : માનવ જ્યોત દ્વારા ભુજમાં ચકલીઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ
કચ્છ, 27 એપ્રિલ (હિ.સ.) :કચ્છમાં ઉનાળાએ આ વર્ષે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત વધી રહેલા તાપમાનને કારણે લોકો દિવસ દરમિયાન ઘરની બહાર નીકળતા કચવાઈ રહ્યા છે. ભુજમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે તો કંડલા પોર્ટ વિસ્તારમાં પારો 45.5 ડિગ્
માનવ જ્યોત દ્વારા કુંડા વિતરણ


માનવ જ્યોત દ્વારા કુંડા વિતરણ


કચ્છ, 27 એપ્રિલ (હિ.સ.) :કચ્છમાં ઉનાળાએ આ વર્ષે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત વધી રહેલા તાપમાનને કારણે લોકો દિવસ દરમિયાન ઘરની બહાર નીકળતા કચવાઈ રહ્યા છે. ભુજમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે તો કંડલા પોર્ટ વિસ્તારમાં પારો 45.5 ડિગ્રીને પાર જતા ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો છે. આવી અગ્નિતાપ જેવી પરિસ્થિતિમાં માનવજીવન તો ત્રસ્ત છે જ, પરંતુ અબોલ પક્ષીઓ માટે તો આ દિવસો જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ત્યારે ભુજની સેવાભાવી સંસ્થા ‘માનવ જ્યોત’એ માનવતા અને પર્યાવરણપ્રેમનું સુંદર ઉદાહરણ પૂરું પાડતાં પક્ષીઓને રાહત મળે તે હેતુથી ચકલીઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું છે.

ગરમીના દિવસોમાં શહેરોમાં કોંક્રીટના જંગલો વધતા જતા પક્ષીઓને આશરો અને પાણી બંનેનો અભાવ અનુભવાય છે. ખાસ કરીને ચકલીઓ, કબૂતરો, કાગડા જેવા સામાન્ય પક્ષીઓ માટે પીવાનું પાણી અને બેસવાનું સુરક્ષિત સ્થાન મળવું મુશ્કેલ બનતું જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનવ જ્યોત સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાની ઋતુમાં આ અનોખી સેવાકીય ઝુંબેશ ચલાવી રહી છે. સંસ્થાના કાર્યકરો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે કે તેઓ પોતાના ઘર, આંગણાં, ગેલેરી, બાલ્કની કે દુકાન આગળ પાણીના કુંડા મૂકે અને ચકલીઘર ટાંગે જેથી પક્ષીઓને જીવદયા રૂપે સહારો મળી રહે.

સંસ્થાના પ્રબોધ મુનવરે આ સેવાકીય અભિયાન અંગે જણાવ્યું હતું કે, “જ્યારે ગરમી માણસને અકળાવી મૂકે છે ત્યારે અબોલ જીવજંતુઓ અને પક્ષીઓની હાલત કેટલી દયનીય બનતી હશે તેનો વિચાર કરવો જોઈએ. શહેરોમાં વૃક્ષોની સંખ્યા ઘટતા ચકલીઓ ધીમે ધીમે લુપ્ત થવાની કગારે છે. જો દરેક વ્યક્તિ પોતાના ઘરની બહાર એક પાણીનું કુંડું અને એક ચકલીઘર મૂકે તો અનેક પક્ષીઓનો જીવ બચી શકે. અમારી સંસ્થા આ માટે વર્ષોથી નિઃશુલ્ક વિતરણ કરી રહી છે અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.”

માનવ જ્યોતની આ પહેલ માત્ર ચકલી કે અન્ય પક્ષીઓને પાણી પૂરું પાડવાની મર્યાદિત કામગીરી નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને જીવદયા પ્રત્યે સમાજમાં સંવેદના ઉભી કરવાનો એક સશક્ત પ્રયાસ છે. સંસ્થાના કાર્યકરો દ્વારા હજારોની સંખ્યામાં ચકલીઘર અને માટીના કુંડા વિતરણ કરવામાં આવ્યા છે. લોકો તેને પોતાના નિવાસસ્થાને લઈ જઈને બાંધી રહ્યા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પક્ષીઓ માટે નાનકડા જળાશય સમાન રાહત કેન્દ્રો ઉભા થઈ રહ્યા છે.

ભુજ શહેરમાં વધતી ગરમી વચ્ચે આ સેવાકીય દ્રશ્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. જ્યાં એક તરફ પ્રકૃતિનો પ્રકોપ છે ત્યાં બીજી તરફ માનવતા અને કરુણાનું આ સ્વરૂપ સમાજને સંદેશ આપે છે કે વિકાસની દોડમાં અબોલ જીવને ભૂલવો નહીં. ઉનાળાની આ કાળઝાળ ઋતુમાં માનવ જ્યોત સંસ્થાએ શરૂ કરેલો આ સેવા યજ્ઞ ખરેખર પક્ષીઓ માટે જીવનદાયી સાબિત થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આ અભિયાન સતત ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande