



કચ્છ, 27 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળતી પોલીસનો એક અલગ અને માનવતાભર્યો ચહેરો કચ્છ જિલ્લામાં જોવા મળ્યો હતો. પોલીસનું નામ પડતાં જ લોકોના મનમાં કડકાઈ, દંડ અને ભયની છબી ઉભી થતી હોય છે, પરંતુ આ વખતે મતદાનના લોકશાહી પર્વે કચ્છ પોલીસના જવાનો એ સાબિત કરી બતાવ્યું કે પોલીસ માત્ર કાયદાની રક્ષક જ નહીં પરંતુ પ્રજાની સાચી મિત્ર પણ છે.
કચ્છ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક મતદાન મથકો પર એવા દૃશ્યો જોવા મળ્યા કે જ્યાં અશક્ત, દિવ્યાંગ, વૃદ્ધ અને લાચાર મતદાતાઓ માટે કચ્છ પોલીસ દેવદૂત બનીને પહોંચી હતી. મતદાન કરવા માટે ઉત્સાહિત હોવા છતાં શરીરની મજબૂરીને કારણે મતદાન મથક સુધી પહોંચી ન શકતા નાગરિકોને પોલીસ જવાનો એ પોતાની જવાબદારીથી આગળ વધી સહારો આપ્યો હતો. કોઈ વૃદ્ધ વડીલને હાથ પકડીને મતદાન રૂમ સુધી લઈ જવામાં આવ્યા, તો કોઈ દિવ્યાંગ મતદાતાને વ્હીલચેરમાં બેસાડી મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
ભુજ શહેરના એક મતદાન મથકે તો અત્યંત સ્પર્શક દૃશ્ય સર્જાયું હતું. અહીં એક દિવ્યાંગ મતદાતા, જે સ્વતંત્ર રીતે ચાલી શકતા નહોતા, તેઓ મતદાન મથક પર પહોંચતા જ ફરજ પર તૈનાત પોલીસ જવાનો તરત સક્રિય થઈ ગયા હતા. જવાનોએ મતદાતાને સાવધાનીપૂર્વક ઊંચકી અંદર સુધી લઈ જઈ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. મતદાન બાદ પણ તેમને બહાર ગેટ સુધી સુરક્ષિત રીતે મૂકી આવતાં હાજર લોકોમાં પોલીસ પ્રત્યે સન્માનની લાગણી વધુ ગાઢ બની હતી.
માત્ર ભુજ જ નહીં પરંતુ જિલ્લાના અનેક મતદાન મથકો પર પોલીસ જવાનો વડીલો માટે ટેકો, દિવ્યાંગો માટે સહારો અને લાચાર નાગરિકો માટે મદદગાર બની ઉભા રહ્યા હતા. લોકશાહી પ્રત્યેનો આદર અને મતદાનના અધિકારને સૌ સુધી પહોંચાડવાનો સંકલ્પ પોલીસના વર્તનમાં સ્પષ્ટ રીતે ઝળકતો હતો. મતદાન માત્ર એક પ્રક્રિયા નહીં પરંતુ દરેક નાગરિકની ભાગીદારીનું પર્વ છે, અને આ પર્વમાં કોઈ પણ વ્યક્તિ પોતાની શારીરિક મર્યાદાના કારણે વંચિત ન રહે તે માટે પોલીસએ નિષ્ઠાપૂર્વક માનવતાની સેવા આપી હતી.
આ બધાની વચ્ચે કુદરતે પણ કચ્છવાસીઓની કસોટી લીધી હતી. મતદાનના દિવસે કચ્છમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. કાળઝાળ તાપ, ધગધગતા રસ્તા અને તપતા મતદાન મથકો વચ્ચે સામાન્ય માણસ માટે ઉભું રહેવું મુશ્કેલ બની રહ્યું હતું. છતાં આવી અસહ્ય ગરમીમાં પણ કચ્છ પોલીસના જવાનો પોતાના કર્તવ્ય સાથે માનવતાનો સંદેશ વહન કરતા જોવા મળ્યા હતા. પાણીની બોટલ આપવાથી લઈને છાંયડામાં બેસાડવા, વ્હીલચેર ગોઠવવાથી લઈને હાથ પકડી મતદાન મથક સુધી પહોંચાડવા જેવી કામગીરીએ મતદારોના દિલ જીતી લીધા હતા.
ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત પોલીસએ જે રીતે સેવા, સંવેદના અને સહકારનું ઉદાહરણ પૂરું પાડ્યું તે ખરેખર પ્રશંસનીય છે. અનેક મતદાતાઓએ પણ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે “આજે પોલીસનો સાચો મિત્રરૂપ ચહેરો જોવા મળ્યો.” સામાન્ય રીતે ખાખી યુનિફોર્મ સાથે જોડાતી કડક છબીની પાછળ છુપાયેલ માનવતાનું આ ઉષ્માભર્યું રૂપ લોકોને સ્પર્શી ગયું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છ પોલીસે બતાવેલો આ માનવતાવાદી અભિગમ માત્ર ફરજ નિભાવવાનો ભાગ નહોતો, પરંતુ લોકશાહી મજબૂત બનાવવાની સંવેદનશીલ પ્રતિબદ્ધતા હતી. મતદાનનો અધિકાર દરેક નાગરિક સુધી સન્માનપૂર્વક પહોંચે અને કોઈ પણ વ્યક્તિ જાતની મજબૂરીને કારણે વંચિત ન રહે — આ ભાવનાએ જ કચ્છ પોલીસને લોકોના દિલમાં “પ્રજાનો સાચો મિત્ર” તરીકે સ્થાપિત કરી દીધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar