
કચ્છ, 27 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કચ્છ જિલ્લામાં યોજાયેલા નગરપાલિકા મતદાનમાં મુંદરા-બારોઈ નગરપાલિકા સૌથી વધુ મતદાન નોંધાવતી નગરપાલિકા તરીકે સામે આવી છે. તાપમાનનો ચડતો પારો, લગ્નગાળાની વ્યસ્તતા અને દૈનિક કાર્યો વચ્ચે પણ મતદારોએ પોતાના મતાધિકાર પ્રત્યે નોંધપાત્ર જાગૃતિ દર્શાવી હતી. દિવસભર મતદાન મથકો પર મતદારોની અવરજવર અને રાજકીય સક્રિયતાએ મુંદરામાં લોકશાહીનો જીવંત માહોલ ઊભો કર્યો હતો. અંતે કુલ 75.03 ટકા મતદાન સાથે મુંદરા-બારોઈએ કચ્છમાં મતદાનની મોખરાની સિદ્ધિ હાંસલ કરી.
મુંદરા-બારોઈ નગરપાલિકાની આ બીજી ચૂંટણી અનેક કારણોસર ચર્ચામાં રહી હતી. ચૂંટણીપ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપો અને જાહેર મંચો પર ઉમેદવારો વચ્ચે આક્ષેપ-પ્રત્યારોપનો માહોલ ગરમાયો હતો. કેટલાક તબક્કે રાજકીય તણાવ વધુ વધી શકે તેવો અંદાજ વ્યક્ત થતો હતો, છતાં મતદાનના દિવસે શહેર અને આસપાસના વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું. સાતેય વોર્ડમાં મતદાન વિઘ્નરહિત રીતે પૂર્ણ થયું અને સાંજ સુધી કોઈ મોટી કાયદો-વ્યવસ્થાની ઘટના નોંધાઈ નહીં. એકાદ જગ્યાએ બોલાચાલી સિવાય ઈવીએમ સંબંધિત કે અન્ય ગંભીર ફરિયાદો સામે આવી નહોતી.
આ ચૂંટણીમાં મુંદરા, બારોઈ અને ગોયેરસમા ગામ મળી કુલ 22,171 નોંધાયેલા મતદારો હતા, જેમાં 11,291 પુરુષ અને 10,880 મહિલા મતદારોનો સમાવેશ થતો હતો. આમાંથી 16,636 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પુરુષ મતદારોની હાજરી મહિલાઓની સરખામણીએ વધુ નોંધાઈ હતી. કુલ મતદાનમાં પુરુષોની ભાગીદારી 53.25 ટકા રહી જ્યારે મહિલાઓનું પ્રમાણ 46.74 ટકા નોંધાયું. આ આંકડા દર્શાવે છે કે મુંદરામાં ચૂંટણી પ્રત્યે મતદારોમાં સારો ઉત્સાહ હતો અને મતદાનને એક ફરજ કરતાં પણ વધુ લોકશાહી ઉત્સવ તરીકે સ્વીકારવામાં આવ્યું.
નગરપાલિકાના કુલ સાત વોર્ડમાં 28 બેઠકો માટે 60 ઉમેદવારો મેદાનમાં હતા. દરેક વોર્ડમાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 3માં 80.62 ટકા નોંધાયું, જે સમગ્ર નગરપાલિકામાં સર્વોચ્ચ રહ્યું. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 7માં 65.87 ટકા નોંધાયું હતું. જોકે ઓછા મતદાન ધરાવતા વિસ્તારોમાં પણ મતદારોની અવરજવર દિવસભર યથાવત રહી હતી.
મતદાનની શરૂઆત સવારે 7 વાગ્યે થતાં જ અનેક મતદારો વહેલી સવારે જ બૂથ પર પહોંચી ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે મતદારો પહેલેથી જ પોતાનો નિર્ણય કરી ચૂક્યા હોય અને ગરમી વધે તે પહેલાં મતદાન પૂર્ણ કરવાની માનસિકતા સાથે બહાર નીકળ્યા હોય. સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ઘણા મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને સીકેમ કન્યા વિદ્યાલય, સુખપરવાસ, શિશુમંદિર વિસ્તાર અને બારોઈ ગામના કેટલાક બૂથો પર મતદારોનો ભારે ઉત્સાહ નોંધાયો.
દિવસભર રાજકીય પક્ષોના કાર્યકરો પણ સક્રિય રહ્યા હતા. દરેક વોર્ડમાં કાર્યકરોને મતદારોને બૂથ સુધી લાવવા, સંપર્ક જાળવવા અને મતદાન વધારવા માટે ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. બપોર બાદ ગરમી વધુ તેજ થતાં મતદાન ધીમું પડી જશે તેવી ભીતિ વચ્ચે પક્ષોએ લોકોને વહેલી તકે મતદાન કરવા અનુરોધ કર્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓ, બૂથ બહાર ગોઠવાયેલા ટેન્ટ અને કાર્યકરોની સતત અવરજવર ચૂંટણીના જંગને વધુ રસપ્રદ બનાવતી હતી.
મતદાન દરમિયાન કેટલાક મતદારોને મતદાન મથક શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મતદારયાદીમાં થયેલા ફેરફારો અને બૂથના સ્થળાંતરને કારણે ઘણા લોકો એક બૂથથી બીજા બૂથ સુધી દોડધામ કરતા જોવા મળ્યા. જોકે રાજકીય પક્ષોએ પોતાના સ્તરે વાહન વ્યવસ્થા ઉભી કરી આવા મતદારોને સહાય પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક લોકો પાસે જૂના ચૂંટણીકાર્ડ હોવા છતાં નવી યાદીમાં નામ ન હોવાને કારણે મતદાનથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો, જેને કારણે મતદારોમાં અસંતોષ પણ જોવા મળ્યો.
એક રસપ્રદ મુદ્દો ડિજિટલ દસ્તાવેજોની માન્યતા અંગે પણ સામે આવ્યો હતો. કેટલાક મતદારોએ ફરિયાદ કરી હતી કે સરકાર ડિજિટલ ઈન્ડિયાની વાત કરે છે છતાં ડિજિલોકર એપમાં રહેલા ઓળખદસ્તાવેજોને બૂથ પર સ્વીકારવામાં આવ્યા નહોતા. મૂળ દસ્તાવેજ અથવા પ્રિન્ટઆઉટ ફરજિયાત હોવાને કારણે કેટલાક લોકોને અનાવશ્યક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ મુદ્દે મતદારોમાં ચર્ચા ચાલી હતી કે ભવિષ્યમાં ચૂંટણીપ્રક્રિયામાં ડિજિટલ દસ્તાવેજોને પણ સ્વીકારવા પર વિચાર કરવો જોઈએ.
આકરા ઉનાળાને ધ્યાનમાં રાખીને સામાજિક સંસ્થાઓએ પણ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. મુંદરા પ્રગતિ મંડળ દ્વારા વોર્ડ નંબર 6 સહિતના વિવિધ બૂથો પર મતદારો અને કાર્યકરો માટે નિઃશુલ્ક લીંબુ પાણી, છાશ અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મતદારો માટે આ સેવાઓ રાહતરૂપ સાબિત થઈ હતી. સાથે જ ચૂંટણી તંત્ર દ્વારા વ્હીલચેર, મેડિકલ કિટ, છાંયો, પીવાના પાણી અને જરૂરી હોય ત્યાં એરકૂલરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ચૂંટણી અધિકારી અને એસડીએમ ભગીરથાસિંહ ઝાલાએ ઊંચા મતદાનને લોકજાગૃતિનું પરિણામ ગણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ મતદાર જાગૃતિ અભિયાન, સ્ટાફ ટ્રેનિંગ, રાજકીય પક્ષો સાથે સંકલન અને સુવિધાસભર બૂથ વ્યવસ્થાના કારણે મતદારોમાં વિશ્વાસ વધ્યો અને તેઓ મોટી સંખ્યામાં બહાર નીકળ્યા. પોલીસ તંત્ર પણ દિવસભર સતર્ક રહ્યું હતું, જેના કારણે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ.
મુંદરા-બારોઈ નગરપાલિકાનું આ મતદાન માત્ર ટકાવારીના આંકડાથી જ નહીં, પરંતુ મતદારોના ઉત્સાહ, રાજકીય સ્પર્ધાની ગરમી, તંત્રની તૈયારીઓ અને લોકશાહી પ્રત્યેની જાગૃતિથી પણ યાદગાર બની રહ્યું છે. હવે તમામ 60 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને મતગણતરીના દિવસે કોના માથે જીતનો તાજ ચઢશે તેની ઉત્કંઠા શહેરભરમાં વ્યાપી ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar