માધાપર જખબૌતેરા સંઘે ધામધૂમથી કરાવ્યા સમૂહલગ્ન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
કચ્છ, 27 એપ્રિલ (હિ.સ.) : ભુજ નજીક આવેલા માધાપર મુકામે સ્થિત પ્રાચીન અને આસ્થાનું પ્રતિક એવા જખદાદા મંદિરે ફરી એકવાર સમાજસેવાનો સ્પર્શ અનુભવાયો, જ્યારે શ્રી માધાપર જખબૌતેરા સંઘ દ્વારા સંચાલિત “જખદાદા લગ્ન આશિષ યોજના” અંતર્ગત બે જરૂરતમંદ પરિવારોની દ
જખ મંદિરમાં નવદંપતી


કચ્છ, 27 એપ્રિલ (હિ.સ.) : ભુજ નજીક આવેલા માધાપર મુકામે સ્થિત પ્રાચીન અને આસ્થાનું પ્રતિક એવા જખદાદા મંદિરે ફરી એકવાર સમાજસેવાનો સ્પર્શ અનુભવાયો, જ્યારે શ્રી માધાપર જખબૌતેરા સંઘ દ્વારા સંચાલિત “જખદાદા લગ્ન આશિષ યોજના” અંતર્ગત બે જરૂરતમંદ પરિવારોની દીકરીઓના લગ્નોત્સવ ધામધૂમપૂર્વક સંપન્ન કરાવવામાં આવ્યા. આ આયોજન માત્ર લગ્નવિધિ પૂરતું સીમિત ન રહી, પરંતુ આર્થિક રીતે સામાન્ય પરિવારો માટે આશીર્વાદરૂપ બની માનવતાની મિસાલ બની રહ્યું છે.

માધાપર સ્થિત જખદાદાનું મંદિર છેલ્લા દોઢથી બે સદીથી શ્રદ્ધાળુઓની અખૂટ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. કચ્છભરમાંથી તેમજ રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. જખદાદાના દર્શન સાથે અહીં વર્ષોથી સેવા, સહાય અને સમાજહિતના અનેક કાર્યો નિરંતર થતા રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં સંસ્થાએ સેવા ક્ષેત્રે નોંધપાત્ર હરણફાળ ભરી છે અને નાત-જાતના ભેદભાવ વગર સમાજના દરેક વર્ગ સુધી મદદનો હાથ પહોંચાડ્યો છે.

મોંઘવારીના વધતા બોજા વચ્ચે મધ્યમવર્ગ અને સામાન્ય પરિવારો માટે દીકરીના લગ્ન ગૌરવભેર કરાવવું ઘણીવાર મુશ્કેલ બની રહે છે. આવી જ પરિસ્થિતિને સમજતા સંઘ દ્વારા થોડા મહિના પૂર્વે “જખદાદા લગ્ન આશિષ યોજના” શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને મળેલા પ્રચંડ પ્રતિસાદને પગલે હવે ૧૦મા અને ૧૧મા લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બે કન્યાઓના લગ્ન સંસ્થાના આશીર્વાદ અને સહયોગથી આનંદમંગલ વાતાવરણમાં યોજાયા.

આ અંતર્ગત ભુજ નિવાસી નવીનચંદ્ર સરવૈયાની પુત્રી ખુશ્બુનો લગ્નોત્સવ ભુજના દીપકુમાર મુન્શીના પુત્ર અક્ષય સાથે યોજાયો, જ્યારે માધાપર નિવાસી હિમાંશુભાઈ રાવલની પુત્રી બરખાનો વિવાહ ભુજના કરશનભાઈ ગઢવીના પુત્ર હેમરાજ સાથે સંપન્ન થયો. જખમંદિર પરિસરમાં સગા-સંબંધીઓ, દાતાશ્રીઓ, સમાજજનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં શુભમંગલ ગીતો વચ્ચે બંને નવદંપતિએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો.

આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યું હતું કે, સમાજ પ્રત્યેની જવાબદારીને કેન્દ્રમાં રાખીને સંસ્થા દ્વારા સતત સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. વડીલ પ્રેરણાસ્રોત તારાચંદભાઈ જગશી છેડાના માર્ગદર્શન અને મહાજનના મામેરૂ જેવી પ્રેરણાદાયી યોજનાઓથી પ્રભાવિત થઈ આ લગ્ન આશિષ યોજના શરૂ કરાઈ છે. યોજનામાં લગ્ન માટે વિશાળ હોલ, વર-વધૂને તૈયાર થવા રૂમ, ચોરી-મંડપ, વિધિ માટે મહારાજ, તેમજ બંને પક્ષના આશરે ૧૫૦ મહેમાનો માટે ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેના કારણે સામાન્ય પરિવારો મોંઘા લગ્નખર્ચની ચિંતા વિના દીકરીના લગ્ન સન્માનપૂર્વક કરી શકે છે.

માત્ર લગ્ન સહાય પૂરતી જ નહીં, જખબૌતેરા સંઘ દ્વારા અનેક પ્રકારની માનવસેવા સતત ચાલી રહી છે. દરરોજ ગૌસેવા રૂપે ગાયોને ઘાસચારો, પક્ષીઓ માટે ચણ અને નિરાધાર શ્વાનોને રોટલાની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈપણ સમાજના લોકો માટે સાદડી-બેસણા પ્રસંગે નિઃશુલ્ક હોલ આપવામાં આવે છે. બાળકો માટે સુંદર બગીચો વિકસાવવામાં આવ્યો છે. કચ્છ બહારથી આવતા યાત્રિકો માટે સ્વચ્છ અને આધુનિક સુવિધાસભર અતિથિગૃહ ઉપલબ્ધ કરાયું છે, જ્યારે જખદાદાના દર્શનાર્થીઓને સાત્વિક અને વ્યાજબી ભાવે ભોજન મળે તે માટે “કે.કે. શાહ ભોજનાલય” શરૂ કરવામાં આવ્યું છે.

સંસ્થા દ્વારા સમયાંતરે વિનામૂલ્યે મેડિકલ કેમ્પો, સામાજિક જાગૃતિ કાર્યક્રમો અને જરૂરિયાતમંદોને વિવિધ સહાય આપવામાં આવે છે. દિવ્યાંગ બાળકો માટે રહેવા-જમવાની સુવિધા રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દેશસેવામાં તત્પર સૈનિકો પોતાના પરિવાર સાથે કચ્છ આવે ત્યારે તેમને નિઃશુલ્ક રહેવા-જમવાની સગવડ આપીને સંસ્થા રાષ્ટ્રભાવનાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

લગ્નોત્સવ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી નરેશભાઈ શાહ સાથે સંસ્થાના કાર્યકરો પ્રવીણભાઈ સોની, હિતેશભાઈ ગજ્જર, ઉમેદસિંહ સહિતના આગેવાનોએ હાજરી આપી નવદંપતિને આશીર્વાદ આપ્યા, ભેટસોગાદ અર્પી અને સુખમય દાંપત્યજીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, જખદાદા મંદિરને છેલ્લા થોડા સમયમાં યાત્રાધામ સમકક્ષ સુવિધાઓથી સજ્જ બનાવવા સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રવીણભાઈ નંદ, ચીમનભાઈ ગમારા, નરેશભાઈ શાહ, શાંતિભાઈ નંદુ, વિનોદભાઈ નંદુ, કમલેશભાઈ સાવલા, અંજુબેન શાહ સહિતના કાર્યકરો સતત પરિશ્રમ કરી રહ્યા છે. પરિણામે જખદાદાનું આ સ્થાન હવે માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં પરંતુ સેવા, સહાય અને સમાજકલ્યાણનું જીવંત પ્રેરણાધામ બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande