મધ્ય પ્રદેશના નર્મદાપુરમ-પિપરિયા રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માત, પાંચ લોકોનાં મોત
નર્મદાપુરમ, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.)। મધ્ય પ્રદેશના નર્મદાપુરમ-પિપરિયા રાજ્ય ધોરીમાર્ગ પર આંચલખેડા પાસે રવિવારે મોડી રાત્રે ટવેરા અને અનાજથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટવેરામાં સવાર પાંચ લોકોનાં મોત થયાં છે,
નર્મદાપુરમ-પિપરિયા રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માત


નર્મદાપુરમ, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.)। મધ્ય પ્રદેશના નર્મદાપુરમ-પિપરિયા રાજ્ય ધોરીમાર્ગ પર આંચલખેડા પાસે રવિવારે મોડી રાત્રે ટવેરા અને અનાજથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટવેરામાં સવાર પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે આશરે 6-7 લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માત રવિવારે મોડી રાત્રે આશરે 1 વાગ્યે થયો હતો. ભોગ બનનારાઓ મહેન્દ્રવાડી અને માખનનગરના રહેવાસી છે. તમામ લોકો ગામના રાઘવેન્દ્ર મોરપ્પાના લગ્નમાં બુધની ગયા હતા. બધા જ લોકો રાત્રે મહેન્દ્રવાડી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવી રહેલી અનાજ ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે તેમના વાહનની ટક્કર થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રોસિંગ દરમિયાન ટવેરા ટ્રોલીની સાઈડમાં અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટવેરાના ફૂરચા ઉડી ગયા હતા અને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગ્રામજનો અને રાહદારીઓની મદદથી પોલીસે ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યાં તબીબોએ તપાસ બાદ 5 લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. અકસ્માતના સમાચાર મળતા જ જિલ્લા હોસ્પિટલમાં પરિવારજનો અને ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. હાલ મૃતદેહોને મરણોત્તર તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. મૃતદેહોની મરણોત્તર તપાસ આજે સોમવારે નર્મદાપુરમમાં કરવામાં આવશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મૃતકોના નામ:

શુભમ મોરપ્પા (18), રહેવાસી મહેન્દ્રવાડી

વિનીત યાદવ (22), રહેવાસી મહેન્દ્રવાડી

સાહિલ યાદવ (19), રહેવાસી મહેન્દ્રવાડી

હરિ સિંહ (57), રહેવાસી મહેન્દ્રવાડી

સંતોષ પ્રજાપતિ, રહેવાસી માખનનગર.

હિન્દુસ્થાન સમાચાર / નેહા પાંડે / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande