

- ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે
- જિમમાં 25થી 30 લોકો ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ
અમદાવાદ, 27 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદ શહેરના શ્યામલ વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. સાંગરિલા-2માં આગ લાગતાં નાશભાગ મચી છે. જ્યારે ઘટનાને પગલે ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેડમાં આગ લાગવાની ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોટક મહિન્દ્રા બેન્કમાં એટીએમ પાસે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ ધીમે ધીમે વિકરાળ બની અને બહારના ભાગે આવેલા પાર્કિંગમાં અને ઉપરના માળે પહોંચી ગઈ હતી.
ગ્રાઉન્ડ ફ્લોરથી આગ એચઆર ફિટનેસ નામના જિમ સુધી પહોંચી ગઈ હતી. જિમમાં 25થી 30 લોકો ફસાયેલા હતા જે તમામ લોકોને ફાયરબ્રિગેડે સહી સલામત નીચે ઉતારી લેવાયા હતા.
બનાવની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડની 20 થી વધુ ગાડીઓ અને 50 અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લઈ લીધી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
શાંગરીલા-2 આર્કેડમાં બીજા માળે આવેલી ઓફિસમાં હું નોકરી કરું છું. હું જ્યારે અહીંયા આવી ત્યારે મારું વાહન પાર્ક જ કરવા જતી હતી ત્યારે મેં આગ જોઈ એટલે હું તરત જ સાઈડમાં જતી રહી અને ત્યારબાદ મારા ઓફિસના લોકોને જાણ કરી કે આગ લાગી છે ત્યાં સુધીમાં તો આગ ખૂબ જ વધારે ફેલાઈ ગઈ હતી. બીજા બધા લોકોના વાહનો ખેંચી સાઈડમાં કર્યા હતા, પરંતુ આગ વધારે ફેલાઈ ગઈ અને ત્યારબાદ ફાયરબ્રિગેડ તેમજ પોલીસને જાણ કરતા પોલીસ સહિત પર ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી.
આગ વધુ પ્રસરતાં પાર્કિંગમાં મૂકેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા છે અને કેટલાક વાહનો બળીને ખાખ થઇ ગયા છે. આ સાથે જ કોમ્પ્લેક્સમાં આવેલી ઘણી દુકાનો પણ આગની ઝપેટમાં આવી છે.
આ બિલ્ડિંગમાં જિમ અને બેંક હોવાની પણ માહિતી મળી રહી છે. જ્યારે આગ લાગતાં જિમ, બેંક અને દુકાનોમાં રહેલા લોકોને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાને પગલે લોકોમાં નાશભાગ મચી ગઇ હતી.
આગ કાબૂમાં આવી ગયા બાદ શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને એફએસએલ દ્વારા હાલમાં આગ લાગવાના કારણ અંગે તપાસ કરવામાં આવશે.
શ્યામલ ચાર રસ્તા પાસે શાંગરીલા-2 આર્કેડને ખાલી કરાવી દેવાયું છે. જ્યાં સુધી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોમ્પ્લેક્સ બંધ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ