
મહેસાણી, 27 એપ્રિલ (હિ.સ.) : ઊંઝામાં વૈશાખ સુદ પૂનમ નિમિત્તે તા. 01 મે 2026 ના રોજ જગત જનની મા ઉમિયાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા યોજાવાની છે. 1870 વર્ષથી નિજ મંદિરમાં બિરાજમાન મા ઉમિયાની આ પરંપરાગત નગરયાત્રાને લઈને સમગ્ર ઊંઝા શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે. સવારે 8 કલાકે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા લીલી ઝંડી આપી નગરયાત્રાને પ્રસ્થાન કરાવશે.
આ વર્ષે 8 કિલોમીટર રૂટ પર નીકળનારી નગરયાત્રામાં હજારો ભક્તો, મહિલા મંડળો, ઉમિયા પરિવાર સંગઠન તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા ભક્તો જોડાશે. મા ઉમિયા સુશોભિત દિવ્ય રથમાં બિરાજમાન થઈ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપશે. માર્ગ પર ઠેરઠેર આરતી, પૂજન, સ્વાગત કમાનો અને લીલા તોરણોથી ભવ્ય સજાવટ કરવામાં આવશે.
નગરયાત્રામાં હાથી, ઘોડા, બગીઓ અને આરોગ્ય-જનહિતના સંદેશ આપતા 165 જેટલા આકર્ષક ટેબ્લો વિશેષ આકર્ષણ બનશે. સમગ્ર શહેરમાં વેપાર-ધંધા સ્વયંભૂ બંધ રાખી લોકો ઉત્સવમાં જોડાશે. સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. સંસ્થાના માનદ્દમંત્રી જયંતિભાઈ પટેલે આ વર્ષની નગરયાત્રા ઐતિહાસિક બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR