
નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.): કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (પીએમઆરબીપી) 2026 માટે નામાંકન આમંત્રિત કર્યા છે. નામાંકન સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય સ્તરનો એક પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જે દર વર્ષે દેશભરના બાળકોની અસાધારણ સિદ્ધિઓને બિરદાવવા માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર એવા બાળકોને આપવામાં આવે છે જે વીરતા, રમતગમત, સામાજિક સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને કલા તેમજ સંસ્કૃતિના ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવાને પાત્ર છે. નિવેદન મુજબ દેશમાં રહેતો કોઈપણ ભારતીય નાગરિક, જેની ઉંમર 31 જુલાઈ 2026 ના રોજ 5 થી 18 વર્ષ સુધીની હોય, તે આ પુરસ્કારો માટે પાત્ર છે.
નામાંકન માત્ર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા https://awards.gov.in પર સ્વીકારવામાં આવશે. પુરસ્કારો માટે સ્વ-નામાંકન અને ભલામણ, બંને પર વિચાર કરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. વધુ માહિતી માટે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલની મુલાકાત લઈ શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ