સુરત મનપા ચૂંટણી: મતદાન દરમ્યાન મોબાઈલથી વીડિયો વાયરલ કરનાર સામે પોલીસની કાર્યવાહી શરૂ
સુરત, 27 એપ્રિલ (હિ.સ.) : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 26 એપ્રિલે સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. જોકે આ દરમિયાન કેટલાક લોકોએ મતદાન મથકના પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલનો ઉપયોગ કરી મતદાન કરતા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વા
સુરત મનપા ચૂંટણી: મતદાન દરમ્યાન મોબાઈલથી વીડિયો વાયરલ કરનાર સામે પોલીસની કાર્યવાહી શરૂ


સુરત, 27 એપ્રિલ (હિ.સ.) : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 26 એપ્રિલે સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. જોકે આ દરમિયાન કેટલાક લોકોએ મતદાન મથકના પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલનો ઉપયોગ કરી મતદાન કરતા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ મામલે પોલીસે ગંભીરતા દાખવી આવી હરકત કરનારાઓ સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

માહિતી મુજબ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવકે મતદાન કરતી વખતે મોબાઈલથી વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેના આધારે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મતદાન દરમ્યાન મતકુટિરની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં અનેક સ્થળોએ લોકો મોબાઈલ સાથે અંદર પ્રવેશ્યા હતા. તેમણે મતદાન પ્રક્રિયાના વીડિયો બનાવીને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

પુણાગામ વિસ્તારના સન્માન સોસાયટી નજીક આવેલા હરેકૃષ્ણ વિદ્યાલયના રૂમ નં. 3માં બોર્ડ નં. 17, મતદાન મથક 42 પર ચિરાગ બાવચંદભાઈ બરવાળીયા નામના વ્યક્તિએ મોબાઈલ સાથે મતકુટિરમાં જઈ મતદાન કરતી વખતે વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો છે. મતદાન દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ મતદાન કરતી વખતે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. આ વીડિયો લોકોમાં પ્રભાવ બતાવવા માટે વાયરલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મોડી સાંજે પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી શરૂ કરવાના સંકેત મળતા જ અનેક લોકોએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાંથી આવા વીડિયો ડીલીટ કરવા શરૂ કરી દીધા હતા.

હવે સવાલ ઊભો થયો છે કે, વીડિયો અપલોડ કરીને બાદમાં ડીલીટ કરનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે કે નહીં. કારણ કે આવા લોકો દ્વારા મતદાનની ગુપ્તતા ભંગ થવા સાથે શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ ઉલ્લંઘન થયો છે. પોલીસ દ્વારા આ મુદ્દે આગળની કાર્યવાહી અંગે ચર્ચા ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande