




અમરસંગ વસાવાનું રહસ્યમય સંજોગોમાં મોત
ઘટનાની જાણ થતાં આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો છે
ભરૂચ 27 એપ્રિલ (હિ.સ.) આમોદ તાલુકાના રાણીપુરા ગામે આજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. અમરસંગ વસાવાનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી મૃતદેહને કબજામાં લેવામાં આવ્યો છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હોવાથી, કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં આસપાસના વિસ્તારોમાં સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે અને તે રિપોર્ટના આધારે જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
આ દુઃખદ સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતા જ રાણીપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમરસંગભાઈ વસાવાના પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે અને આ રહસ્યમય ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ