
-કલકતા સામે સુપર ઓવરમાં નિષ્ફળતા બાદ પણ કોચે પૂરનનો બચાવ કર્યો, કહ્યું—મોટા ખેલાડીઓ પર વિશ્વાસ જરૂરી
લખનૌ, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં સતત પાંચમી હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે સુપર ઓવરમાં નિકોલસ પૂરનને મોકલવાના નિર્ણયનો બચાવ કર્યો છે.
કલકતા નાઇટ રાઇડર્સ સામેના મુકાબલામાં પૂરન સુપર ઓવરમાં સુનીલ નરેનનો સામનો કરવા ઉતર્યો હતો, પરંતુ પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો.
મેચ પછી લેંગરે કહ્યું, “અમને ખબર હતી કે સુનીલ નરેન બોલિંગ કરશે. પૂરને દુનિયામાં સૌથી વધુ વખત તેનો સામનો કર્યો છે, તેથી અમને લાગ્યું કે તે જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. ભલે તે અત્યારે ફોર્મમાં નથી, પરંતુ મોટા ખેલાડીઓ પર ભરોસો રાખવો પડે છે.”
તેમણે એમ પણ સ્વીકાર્યું કે, પૂરન આત્મવિશ્વાસના અભાવ સામે ઝઝૂમી રહ્યો છે.
તેમણે કહ્યું, “તે સતત મહેનત કરી રહ્યો છે. આ દર્શાવે છે કે મોટા ખેલાડીઓ પણ માણસ હોય છે. આત્મવિશ્વાસ પ્રદર્શનથી જ આવે છે.”
લેંગરે હાર માટે પિચને યોગ્ય રીતે ન સમજી શકવાને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે, કાળી માટીની પિચ ધીમી હતી અને તેના પર બોલ વધુ ટર્ન થઈ રહ્યો હતો, પરંતુ ટીમ તે મુજબ પોતાને ઢાળી શકી નહીં.
ફાસ્ટ બોલર મોહસિન ખાને શાનદાર પ્રદર્શન કરીને 5 વિકેટ ઝડપી હતી. લેંગરે તેના જોરદાર વખાણ કર્યા અને કહ્યું કે, તે ટૂંક સમયમાં ભારત માટે રમી શકે છે.
સાથે જ મોહમ્મદ શમી અને પ્રિન્સ યાદવના પ્રદર્શનની પણ પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી 2 ઓવરમાં વધુ રન આપવા ટીમને ભારે પડી ગયા.
સતત હારને કારણે લખનૌની ટીમ દબાણમાં છે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે, પરિસ્થિતિ મુજબ બહેતર તાલમેલ સાધીને જ જીતના માર્ગ પર પરત ફરવું શક્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ