
નાગપટ્ટિનમ, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.). તમિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લામાં પહેલીવાર એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્થાનિક માછીમારોએ તેમના પર હુમલો કરવા આવેલા એક શ્રીલંકન દરિયાઈ લૂંટારાને પકડીને પોલીસને હવાલે કર્યો છે. વર્ષોથી તમિલનાડુના માછીમારો શ્રીલંકન દરિયાઈ લૂંટારાઓના હુમલા, લૂંટફાટ અને હેરાનગતિનો સામેનો કરી રહ્યા છે, પરંતુ આ પ્રકારે કોઈ લૂંટારો માછીમારો દ્વારા પકડાયો હોય તેવું પહેલીવાર બન્યું હોવાનું કહેવાય છે.
હકીકતમાં, નાગપટ્ટિનમ જિલ્લાના સેરૂદૂર ગામના રહેવાસી શક્તિમયિલ (40), અભિમન (30), બાલસુબ્રમણ્યન (30), પલાનીસામી (29) અને કન્યાકુમારી જિલ્લાના ઉવરી વિસ્તારના રહેવાસી અબી (28) 25 એપ્રિલના રોજ બપોરે લગભગ 12 વાગ્યે એક ફાઈબર બોટમાં માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા. 26 એપ્રિલની રાત્રે લગભગ 11 વાગ્યે આ તમામ માછીમારો આર્કાટ્ટુથુરાઈના દક્ષિણ-પૂર્વમાં લગભગ 9 નોટિકલ માઈલના અંતરે દરિયામાં માછીમારી કરી રહ્યા હતા. આ દરમિયાન એક તેજ ગતિની ફાઈબર બોટમાં સવાર ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા. તેઓએ માછીમારો દ્વારા નાખવામાં આવેલી જાળ કાપવાનો પ્રયાસ કર્યો, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.
આ અથડામણ દરમિયાન તમિલનાડુના માછીમારોએ બહાદુરી બતાવી એક હુમલાખોરને પકડી પાડ્યો હતો, જ્યારે તેના અન્ય બે સાથીદારો પોતાની બોટ લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પકડાયેલા વ્યક્તિની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓ ત્રણેય લૂંટના ઈરાદે ત્યાં આવ્યા હતા.
આગળની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ અયંથન (27) જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે, તે શ્રીલંકાના કાંગેસંથુરાઈ વિસ્તારનો રહેવાસી છે. તે તમિલ ભાષા બોલતો હોવાથી માછીમારોએ તેની સાથે વાતચીત કરીને સંપૂર્ણ માહિતી મેળવી હતી અને તેને સેરૂદૂરના માછલી ઉતારવાના ઘાટ પર લઈ આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ કીલાઈયુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને પોતાના કબજે લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી અને તેના ફરાર સાથીદારો અગાઉ પણ આવી ઘટનાઓમાં સામેલ હતા કે કેમ.
દરિયામાં થયેલી અથડામણ દરમિયાન અયંથનને જમણી આંખની ઉપર ભમર પાસે અને માથાના ડાબા ભાગમાં ઈજા થઈ હતી, જ્યારે કપાળ પર સોજો પણ આવી ગયો હતો. તેની હાલત જોઈ તેને સારવાર માટે નાગપટ્ટિનમ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
સ્થાનિક માછીમારોનું કહેવું છે કે, શ્રીલંકન દરિયાઈ લૂંટારાઓ દ્વારા આ પ્રકારના હુમલા લાંબા સમયથી થતા રહ્યા છે, જેના કારણે તેમની આજીવિકા અને સુરક્ષા બંને પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં આ વખતે એક લૂંટારાનું પકડાવું માછીમારો માટે મોટી સફળતા માનવામાં આવે છે.
આ ઘટના એટલા માટે પણ મહત્વની માનવામાં આવે છે, કારણ કે ઇતિહાસમાં પ્રથમ વખત તમિલનાડુના માછીમારો પર હુમલો કરનાર શ્રીલંકન દરિયાઈ લૂંટારો જીવતો પકડાયો છે. આનાથી ભવિષ્યમાં દરિયાઈ સુરક્ષા અંગે વહીવટીતંત્રની કાર્યવાહી વધુ કડક બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ડો. વારા પ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ