
પાટણ, 27 એપ્રિલ (હિ.સ.) : પાટણ શહેરના રંગીલા હનુમાન પાસે આવેલી શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળામાં અભ્યાસ કરતા મૂકબધિર બાળકોના શિક્ષણ માટે અમેરિકા સ્થિત પ્રજાપતિ પરિવારે રૂ. 1 લાખની આર્થિક સહાય અર્પણ કરી છે. આ સહાય દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિના પૌત્ર વંશ સિમૂલ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી છે.
સોમવારે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 1 લાખનો ચેક સંસ્થાના પ્રતિનિધિઓને સુપરત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દામિનીબેન પ્રજાપતિ અને યશપાલ સ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સંસ્થા મૂકબધિર બાળકોને શિક્ષણ સાથે રમતગમત અને સ્વાવલંબન માટે પ્રોત્સાહિત કરે છે. સંસ્થાએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે અને પ્રજાપતિ પરિવાર સતત સામાજિક કાર્યોમાં સહયોગ આપતો રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ