
અમદાવાદ, 27 એપ્રિલ (હિ.સ.) : દેશમાં ભીષણ ગરમી અને હીટવેવમાં વધારો થઈ રહ્યો છે. પૂર્વોત્તર સિવાય ભારતના મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાન 40થી 46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું છે. યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 શહેરોમાં રવિવારે તાપમાન 46°Cથી ઉપર ગયું.
ગુજરાતમાં પણ હાલમાં અંગ દજાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે. ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે રાજ્યમાં સિઝનનું સૌથી ઊંચુ તાપમાન નોંધાયું છે. પહેલીવાર ગરમીનો પારો 44°C પાર ગયો છે,
ગુજરાતમાં કંડલા એરપોર્ટનું સૌથી વધુ 45.2°C નોંધાયું, જ્યારે અમદાવાદ 44.8°C સાથે બીજા નંબર પર રહ્યું છે. કાળઝાળ ગરમીની અસર મતદાન પર પણ જોવા હતી. આ સાથે ઢળી પડ્યા બાદ ત્રણ લોકોના મોત નીપજ્યાં છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, ગુજરાત પર હીટવેવનો ખરતો છે. આજે કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ જારી કરાયું છે.
આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તેમાં અંદાજે 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. તંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની, બપોરના સમયમાં બહાર જવાનું ટાળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, પરંતુ તેની અસર ગુજરાત પર જોવા મળવાની શક્યતા નથી. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ નજીક સર્જાયેલું ચક્રવાતી પરિભ્રમણ હવે નબળું પડી ગયું છે. હાલ પવન પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ગરમીમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તે 35થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તેમાં અંદાજે 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ