
સુરત, 27 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજની ચુંટણી હેઠળ સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતની ચુંટણીઓનું તા.26મી રોજ શાંતિપુર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. તા.28મીના રોજ મંગળવારે મહાનગરપાલિકાના તમામ વોર્ડ નં. 1 થી 30 ની મતગણતરી સુરત શહેરની ડો.એસ. એન્ડ એસ.એસ.ગાંધી એન્જિનીયરીંગ કોલેજ, મજુરાગેટ ખાતે સવારે 9.00 ના ટકોરે શરૂ થશે. આ કાઉન્ટીંગ સેન્ટરની જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ મુલાકાત લઈને તૈયારીઓનો આખરી ઓપ આપ્યો હતો. સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સ્થાનિક સ્વ.ચૂંટણી અને નિવાસી અધિક કલેકટર વિ.એન.રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
જિલ્લા ચુંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની વોર્ડ નં.1 થી 30ની મતગણતરી ગાંધી એન્જિનીયરીંગ કોલેજ ખાતે થશે. કાઉન્ટીંગ માટે 10 ચુંટણી અધિકારીઓ સહિત 2000થી વધુ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. મીડિયા, ચુંટણી એજન્ટો, પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. મતગણતરી માટે કર્મચારીઓને તાલીમબધ્ધ કરાયા હોવાની વિગતો આપી હતી.
આ ઉપરાંત જિલ્લાની ચાર નગરપાલિકાની મતગણતરી અંતર્ગત ચાર ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ બારડોલી ન.પા.ની મતગણતરી બી.એ.બી.એસ. હાઈસ્કૂલ ખાતે, કડોદરા ન.પા.ની પલસાણાની સ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ સંકુલ ખાતે, માંડવી ન.પા.ની માંડવી હાઇસ્કુલ હીરાચંદ ભવન ખાતે, તરસાડી ન.પા.ની વી.એસ.પટેલ હાઇસ્કુલ ગલ્સ વિભાગ તરસાડી ખાતે થશે.
જિલ્લા-તાલુકા પંચાયતની મતગણતરી વિગતો જોઈએ તો, ચોર્યાસી તાલુકાની નવનિર્માણ વિદ્યાલય, ડી.સી.પટેલ નવનિર્માણ એજયુકેશન કેમ્પસ, ન્યુ સીટીલાઇટ રોડ, ભરથાણા વેસુ ખાતે, ઓલપાડની પી. કે. દેસાઇ કેળવણી મંડળ ઓલપાડ સંચાલિત આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજ, ઓલપાડ ખાતે, કામરેજની ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામ કબીર શૈક્ષણિક સંકુલ ખાતે, પલસાણાની મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ, સંચાલિત ડી.બી.હાઈસ્કુલ પલસાણા ખાતે, બારડોલીની અસ્તાન કન્યા વિધાલય ખાતે, મહુવા અને અંબિકા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કાછલ ખાતે, માંડવી અને અરેઠની મતગણતરી બી.બી.અવિચળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવી, માંગરોળની એસ.પી.એમ મદ્રેસા હાઇસ્કૂલ કેમ્પસ જયારે ઉમરપાડાની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા-તાલુકા પંચાયતની મતગણતરી સંપન્ન થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે