
અમદાવાદ, 27 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદ પોલીસે રાજસ્થાન ઉદયપુરના બે કૂખ્યાત ગેંગસ્ટરની અમદાવાદમાંથી ધરપકડ કરી. બંને ગેંગસ્ટર પર હતું 10 હજારનું ઇનામ. રાજસ્થાનના ઉદયપુરમાં બે ગેંગ વચ્ચે થયેલી મારામારી દરમિયાન નઇમ ઠોકર ગેંગના સભ્યોએ મળીને એક વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા બાદ પોલીસ ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. ગેંગનો મુખિયા અને તેનો સાગરિત ભાગીને અમદાવાદ આવી ગયા હતા. અમદાવાદ ઝોન 7 એલસીબીની ટીમે બંને આરોપીઓને સરખેજમાંથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયેલા છે.
ઝોન 7 ડીસીપીના એલસીબી સ્કોડના PSI એચ.ડી વાઘેલાની ટીમને બાતમી મળી હતી કે બે શંકાસ્પદ ઈસમો સરખેજ વિસ્તારની હોસ્પિટલમાં છે. જેથી PSI વાઘેલા અને તેમની ટીમે સરખેજમાંથી બે ઈસમોની અટકાયત કરી હતી.
આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ બંને રાજસ્થાનમાં 7 એપ્રિલના રોજ હત્યા કરીને અમદાવાદ આવ્યા છે.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, રાજસ્થાન ઉદયપુર ખાતે 2 ગેંગ સક્રિય છે. જેમાંથી એક નઇમ ઠોકર ગેંગ અને બીજી જાવેદ દાતના ગેંગ છે. બંને ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. 7 એપ્રિલના રોજ ઉદયપુરના બિચ્છૂ ઘાટી ખાતે બંને ગેંગ વચ્ચે મારામારી થઈ હતી.
નઇમ ઠોકર ગેંગે દાંતના ગેંગના શખસની હત્યા કરી હતી
આ દરમિયાન નઇમ ઠોકર ગેંગના મુખ્ય સૂત્રધાર નઇમ શેખ તેના પાંચ સાગરીતોએ મળીને જાવેદ દાંતના ગેંગના સાહિલ ખાન નામના વ્યક્તિની છાતીમાં છરીની ઘા મારીને હત્યા કરી હતી. હત્યા કરનાર ચાર આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જ્યારે ગેંગનો મુખિયા નઇમ શેખ અને કુંદનસિંહ ભાગીને અમદાવાદ આવી ગયા હતા.
બંને આરોપી અમદાવાદના સરખેજ વિસ્તારમાં કેટલાક દિવસથી રહેતા હતા, જેમની પોલીસે ધરપકડ કરી હતી. બંને આરોપીઓ વિરુદ્ધ 15થી વધુ હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા છે. બંને ગેંગસ્ટર પર 10 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓને પકડીને ઉદયપુર પોલીસને સોંપ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ