
- ગોમતીપુરમાં સૌથી વધુ 70.43 અને નવરંગપુરામાં સૌથી ઓછું 41.31 ટકા મતદાન
અમદાવાદ, 27 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં સરેરાશ 61.26 ટકા મતદાન થયું છે. ચાર મહાનગરોમાં સરેરાશ 50થી 60 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન સુરતમાં 59.21 અને સૌથી ઓછું ઓછું રાજકોટમાં 51.59 અને અમદાવાદમાં 51.81 ટકા મતદાન થયું છે. જ્યારે વડોદરામાં 53.34 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં એસઆઇઆરની પ્રક્રિયા થયા બાદ 38 લાખ મતદાર નોંધાયા હતા. તે પહેલા ઓક્ટોબર 2025ની સ્થિતિએ શહેરમાં 46 લાખ મતદાર હતા. સ્થળાંતરણ, મતદારના મૃત્યુ, ગેરહાજર રહેવું જેવા કારણોથી 8.24 લાખ મતદાર ઘટ્યા હતા. એસઆઇઆર બાદ મતદાનનું પ્રમાણ ઘણું વધવાની સંભાવના હતી, પરંતુ 2021ની સરખામણીમાં માત્ર 3.21% મતદO વધ્યું છે.
એ વખતે 42.51% મતદાન હતું. કુલ 48 વોર્ડમાંથી 13માં મતદાન ઘટ્યું છે. જ્યારે 10 વોર્ડમાં 0થી 2.6%નો વધારો નોંધાયો હતો. કુલ 20.62 લાખ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. 19.67 લાખ પુરુષમાંથી 9.69 લાખ એટલે 49.26% પુરુષોએ મતદાન કર્યું હતું. જ્યારે 18.33 લાખ મહિલામાંથી 7.68 લાખ, એટલે કે 41.91% મતદાન કર્યું હતું.
અમદાવાદમાં સૌથી વધારે મતદાન ગોમતીપુર વોર્ડમાં 70.43 ટકા જેટલું નોંધાયું છે જ્યારે સૌથી ઓછું મતદાન નવરંગપુરા વોર્ડમાં 41.31 ટકા નોંધાયું છે. ભાજપના ઓછા પ્રભુત્વવાળી એવી બેઠકો ગોમતીપુર, મકતમપુરા, બહેરામપુરા, દરીયાપુર, શાહપુર, જમાલપુર, ખાડીયા અને લાંભામાં 60 ટકાથી વધુ મતદાન થયું છે.
નરોડા વિસ્તારમાં સવારે સૌથી વધારે મતદાન હતું, પરંતુ બપોર બાદ નરોડા વિસ્તારમાં મતદાન કરાવવામાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીના ઉમેદવારો નિષ્ફળ રહ્યા હતા. ખાડિયા વિસ્તારમાં સવારે મતદાન થયું હતું પરંતુ બપોરે મતદાન ન થતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મતદાન કરાવવા માટે નીકળ્યા હતા. જેના કારણે મતદાન 60 ટકાથી ઉપર થયું છે. ખાડિયામાં પાંચકુવા ફાયર સ્ટેશન નજીક આવેલા મતદાન મથક ઉપર ખૂબ મોટા પ્રમાણમાં લાઈનો હતી અને બોગસ મતદાન થતું હોવાનો તેમજ કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત તેમનો સ્ટાફ હાજર ન હોવાને લઈને મદદ કરી રહી હોવા અંગેનો આક્ષેપ ભાજપના પૂર્વ કોર્પોરેટરે કર્યો હતો.
શહેરમાં સરેરાશ 38 લાખ જેટલા મતદારો છે જેમાંથી 19,69,118 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 10,85,791 પુરુષ જ્યારે 8,83,327 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. કુલ મતદારોમાં 55.20 ટકા પુરુષો અને 48.18 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. નરોડા, સરદારનગર, ઠક્કરબાપાનગર, નિકોલ, વસ્ત્રાલ સહિતના પૂર્વ વિસ્તારોમાં ખૂબ ઓછી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે નીકળી હતી.
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ઉભી થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારી થઈ હતી અને પોલીસ ફરિયાદ પર નોંધાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ