
દમણ, 27 એપ્રિલ (હિ.સ.) : દમણમાં સંત નિરંકારી મિશન દ્વારા ‘માનવ એકતા દિવસ’ નિમિત્તે કરુણા, પ્રેમ અને સહઅસ્તિત્વનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો. બાબા ગુરબચન સિંહજીની પવિત્ર સ્મૃતિમાં 24 એપ્રિલે આ દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં સત્ગુરુ માતા સુદીક્ષા મહારાજના માર્ગદર્શન હેઠળ દેશભરમાં વિવિધ સત્સંગ અને સેવાકીય કાર્યક્રમો યોજાયા.
આ અવસરે સુરત ઝોન સહિત અનેક સ્થળોએ વિશેષ સત્સંગ સમારોહ યોજાયા, જેમાં માનવ એકતા અને નિષ્કામ સેવાના મૂલ્યોને પ્રગટ કરવામાં આવ્યા. સમગ્ર દેશમાં આશરે 200 સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 40,000 યુનિટ રક્ત એકત્રિત થયું હોવાનું જાણવા મળ્યું છે. દમણ ખાતે સંત નિરંકારી સત્સંગ ભવન, વડકુંન ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં 109 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રક્ત સંકલન દમણ રક્તદાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અને સેવાભાવનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સંત નિરંકારી મિશન છેલ્લા ચાર દાયકાથી સતત રક્તદાન જેવી માનવતાધર્મી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. અત્યાર સુધી હજારો શિબિરો દ્વારા લાખો યુનિટ રક્ત એકત્રિત કરી માનવ સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં કરુણા, એકતા અને નિષ્કામ સેવાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha