
સુરત, 27 એપ્રિલ (હિ.સ.) : સુરતના વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં એક લિફ્ટ અચાનક બંધ થઈ જતાં તેમાં સવાર કુલ 11 લોકો અંદર જ ફસાઈ ગયા હતા. તેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. અચાનક થયેલી આ ઘટનાને કારણે અંદર અંધકાર છવાઈ ગયો અને લોકોમાં ગભરાટ ફેલાયો.
માહિતી મુજબ, લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ વચ્ચે અટવાઈ ગઈ હતી. લિફ્ટમાં બે નાના બાળકો પણ હોવાને કારણે પરિવારજનોમાં ચિંતા વધી ગઈ હતી. અંદર ફસાયેલા લોકોએ મદદ માટે બૂમો પાડતા આસપાસના લોકો તરત જ એકઠા થઈ ગયા અને ફાયર વિભાગને જાણ કરી.
ઘટનાની જાણ મળતા જ વેસુ ફાયર સ્ટેશનની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. જવાનોએ કટર સહિતના સાધનોની મદદથી લિફ્ટના દરવાજા ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો અને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. લગભગ અડધા કલાકની મહેનત બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક રીતે માનવામાં આવે છે કે લિફ્ટમાં ક્ષમતા કરતાં વધુ લોકો હોવા અથવા યોગ્ય મેન્ટેનન્સના અભાવે ખામી સર્જાઈ હશે. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી અને તમામ લોકો સુરક્ષિત રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે