
અમદાવાદ,28 એપ્રિલ (હિ.સ.) ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને મંત્રી અમિત શાહે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રચંડ વિજય ચૂંટણીમાં ભાજપાને મળેલા વિજય બદલ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ અમદાવાદ મહાનગરપાલિકા ઉપરાંત કલોલ, સાણંદ અને બાવળા તાલુકા પંચાયત, કલોલ નગરપાલિકા તેમજ અમદાવાદ અને ગાંધીનગર જીલ્લા પંચાયત તમામમાં ભાજપાની પ્રચંડ જીત થઈ છે. તે બદલ શાહે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી સહુ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને પણ બિરદાવ્યો હતો.
શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સમગ્ર ભાજપા સંગઠનના હોદેદારો, દેવ દુર્લભ કાર્યકર્તાઓને અભિનંદન આપતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેશ પ્રથમ ના ભાવ અને વિકાસની રાજનીતિની આ જીત છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારની શાંત, સુરક્ષિત અને સમૃદ્ધ ગુજરાતની વિભાવના અને જનકલ્યાણકારી નીતિને મળેલ મજબૂત જનસમર્થન છે.
તેઓએ આ વિજયનો શ્રેય તમામ શ્રેણીના કાર્યકર્તાઓને આપતા કહ્યું કે, કાર્યકરોએ આકરા તાપમાં કરેલ અથાગ મહેનત અને પ્રચંડ પુરુષાર્થનું આ પરિણામ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ