
નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ). નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (બીસીએએસ) તરફથી તેની સુરક્ષા યોજના માટે મંજૂરી મળી ગઈ છે, જે ઉડાન સંચાલન શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. હવે એરપોર્ટ પ્રશાસન ઉડાન સેવાઓ શરૂ કરવાની તારીખ નક્કી કરવા માટે વિમાનન કંપનીઓ અને અન્ય ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યું છે.
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે, હવે અમારું ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર છે કે તમામ પ્રણાલીઓ, પ્રક્રિયાઓ અને કર્મચારીઓ સુરક્ષિત, કુશળ અને સુચારુ સંચાલન માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય.
નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવરમાં વિકસી રહેલી એક નવી પરિયોજના છે. આ એરપોર્ટને પ્રાદેશિક સંપર્ક અને આર્થિક વૃદ્ધિને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 28 માર્ચના રોજ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું સંચાલન શરૂ થયા પછી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોનું દબાણ ઘટવાની અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર માટે મુખ્ય વિમાનન કેન્દ્ર તરીકે ઉભરી આવવાની અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ