
ભાવનગર,28 એપ્રિલ (હિ.સ.) ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને મળેલી ભવ્ય જીત બાદ જિલ્લા ભાજપ દ્વારા ઉત્સાહભેર વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપની સર્વત્ર જીત એ જનસમુદાયના અવિચળ વિશ્વાસનું જીવંત પ્રમાણ છે. કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં ઉજવાયેલા આ વિજયોત્સવે સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવનો માહોલ સર્જ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાવનગર જિલ્લાના નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સ્તરે ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતી મળતાં સર્વત્ર કેસરિયો લહેરાયો હતો. આ જીત પાછળ પક્ષના દરેક કાર્યકર્તાની મહેનત, સંકલ્પ અને સંગઠનશક્તિનો મોટો ફાળો હોવાનું ગોહિલે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપની વિકાસલક્ષી વિચારધારા અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના નેતૃત્વમાં થયેલા સર્વાંગી વિકાસ કાર્યોને મતદાતાઓએ સ્વીકાર્યા છે.
વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ એકબીજાને અભિનંદન પાઠવ્યા, મીઠાઈ વહેંચી અને દેશભક્તિભર્યા નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સંગઠનની એકતા અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
આ ભવ્ય જીતને ભાજપ માટે વધુ જવાબદારી સાથે આગળ વધવાનો સંદેશ માનવામાં આવી રહ્યો છે. જિલ્લામાં વિકાસના નવા પ્રકરણો લખવા માટે ભાજપ પ્રતિબદ્ધ છે અને જનતા સાથેનો વિશ્વાસ યથાવત્ રાખવા માટે સતત કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT