
સુરત, 28 એપ્રિલ (હિ.સ.) સુરત મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પ્રભુત્વ સાબિત કર્યું છે. સતત સાતમી વખત સત્તા પ્રાપ્ત કરીને પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. કુલ 115 બેઠકો સાથે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટી માત્ર 4 બેઠકો સુધી સીમિત રહી ગઈ છે અને કોંગ્રેસ લાંબા સમય પછી ફક્ત 1 બેઠક સાથે પ્રવેશ કરી શકી છે.
આ પરિણામોમાં ખાસ ધ્યાન ખેંચે તેવું એ છે કે આમ આદમી પાર્ટીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા ચૂંટણીમાં 27 બેઠકો જીતનાર પાર્ટી આ વખતે ઘણું પાછળ રહી ગઈ છે. પાર્ટીના કેટલાક જીતેલા કોર્પોરેટરો ભાજપમાં જોડાતા મતદારોમાં અસંતુષ્ટિ જોવા મળી હતી. સાથે જ, માત્ર સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાની વ્યૂહરચના જમીન સ્તરે અસરકારક સાબિત થઈ નહોતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન આપની સભાઓમાં ભીડ હોવા છતાં, મતદાન સમયે ભાજપનો સાયલન્ટ સપોર્ટ વધારે અસરકારક રહ્યો. ભાજપના મજબૂત સંગઠન અને પેજ પ્રમુખ મોડલે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી. પરિણામે, આપના મુખ્ય નેતાઓ પોતપોતાની બેઠકો જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા.
આ પરિણામોને કારણે સુરત મહાનગરપાલિકામાં સત્તાવાર વિપક્ષનું અસ્તિત્વ રહેતું નથી. નિયમ અનુસાર વિપક્ષના દરજ્જા માટે ઓછામાં ઓછી 7 બેઠકો જરૂરી હોય છે, જ્યારે આપ અને કોંગ્રેસ મળીને પણ આ આંકડો પાર કરી શકતા નથી. આ રીતે, 1995 પછી પહેલીવાર સુરત પાલિકા વિપક્ષ વિના કાર્ય કરશે, અને સમગ્ર વહીવટ ભાજપના નિયંત્રણમાં રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે