
ગાંધીનગર,28 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. શહેરી વિસ્તારની તમામ 15 મનપા પર ભાજપનું કમળ ખીલ્યું છે. 15 મનપામાં વિપક્ષે નામ માત્રની બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પહેલા રસ્તા પર ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો જે પરિણામ પરથી લાગે છે કે ઈવીએમ સુધી નથી પહોંચ્યો.
રાજ્યની તમામ 15 મનપામાં ભાજપનો ભગવો લહેરાયો 34 જિલ્લા પંચાયતમાંથી 33માં ભાજપનો વિજય થયો છે. 84 નગરપાલિકામાંથી 78માં ભાજપ અને 6માં કૉંગ્રેસે બાજી મારી છે. જ્યારે 260 તાલુકા પંચાયતમાંથી 253 બેઠક ભાજપને ફાળે આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ 166 સીટ સાથે આગળ ચાલી રહ્યું છે.
પાર્ટી વિથ ડિફરન્સનું ઉદાહરણ મહેસાણામાં જોવા મળ્યું મહેસાણામાં ભાજપ કાર્યાલયનો પટાવાળો કોર્પોરેટર બન્યો. વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર અને કમલમમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલ સહિત આખી પેનલનો વિજય થયો છે. ગોધરામાં 100% મુસ્લિમ બહુમતી ધરાવતા વોર્ડમાં હિન્દુ મહિલાની જીત થઈ.
આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી એસઆઈઆર (સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન)ની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ છે. SIRના કારણે મતદાનમાં વધારો થવાનો જે અંદાજ હતો તે થયો નથી. તો બીજી તરફ અલગ અલગ કારણોસર 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ છે જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ