
નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.). કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ) એ, 60.86 લાખ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપી મનોજ કુમાર સિંહાની ધરપકડ કરી છે. આરોપી વર્ષ 2012 માં નોંધાયેલા કેસ બાદ તપાસમાં જોડાયો ન હતો અને ફરાર હતો.
સીબીઆઈ મુજબ, આ કેસ 16 એપ્રિલ 2012 ના રોજ બીએસએનએલ ની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. જેમાં એસબીઆઈ ની શિલોંગ મુખ્ય શાખા, બીએસએનએલ શિલોંગના અજ્ઞાત અધિકારીઓ અને અન્ય લોકો પર બીએસએનએલ ના ખાતામાંથી 60.86 લાખ રૂપિયાના ગેરકાયદે ઉપાડનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
તપાસ પૂર્ણ થયા બાદ સીબીઆઈ એ 23 ડિસેમ્બર 2013 ના રોજ આ કેસમાં સંજીવ કુમાર રાય વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું. ત્યારબાદ આગળની તપાસના આધારે 22 જુલાઈ 2021 ના રોજ ફરાર આરોપી મનોજ સિંહા સહિત અન્ય લોકો વિરુદ્ધ પૂરક આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું.
મનોજ કુમાર સિંહા તપાસમાં સામેલ થયો ન હતો અને તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. અદાલત દ્વારા તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું, પરંતુ તે લાંબા સમય સુધી પકડાયો ન હતો.
સીબીઆઈ એ, ટેકનિકલ અને ભૌતિક દેખરેખ, કોલ ડિટેલ રેકોર્ડ વિશ્લેષણ અને અન્ય માહિતીના આધારે આરોપીની બિહારના પટના સ્થિત તેના નવા ઠેકાણા પરથી 28 એપ્રિલ 2026 ના રોજ ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીને ટ્રાન્ઝિટ વોરંટ લઈને પટનાથી શિલોંગ લઈ જવામાં આવશે, જ્યાં તેને વિશેષ ન્યાયાધીશની અદાલતમાં રજૂ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ