
જામનગર, 28 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ રહ્યું છે. ચાર તબક્કામાં ચાર-ચાર વોર્ડની મતગણતરી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં કોંગ્રેસના બે સ્થાનિક નેતાઓના રાજકીય ભવિષ્ય ઉપર રહેલો રહસ્યોનો પડદો ઉંચકાઇ ગયો હતો અને શહેર કોંગ્રેસ પ્રમુખ તથા મહાનગરપાલિકાના વિપક્ષના તત્કાલિન નેતા પણ ચૂંટણી હારી ગયા હતા.
આજે જાહેર થયેલા ચાર વોર્ડના 16 બેઠકના પરિણામમાં તમામ બેઠક ભાજપે કબ્જે કરી હતી. જયારે કોંગ્રેસે કે આમ આદમી પાર્ટી સહિત કોઇ હરીફ ઉમેદવારનું ખાતુ ખુલ્યું ન હતું.
વોર્ડ નં.13માં નવા નિશાળીયા સામે કોંગ્રેસના ઉમેદવાર અને વિપક્ષના પૂર્વ નેતા ધવલ નંદા કે જે ચૂંટણીની ગોઠવણીમાં માહીર ગણાય છે તેવો પણ 400 કરતા વધુ મતે ચૂંટણી હારી ગયા હતા. અહીં ભાજપના કાર્યકરોની મહેનત રંગ લાવી હતી.
વોર્ડ નં.1 કે જે કાયમ માટે કોંગ્રેસની સાથે રહે છે ત્યાં પણ ભાજપે રાજકીય કુટનીતિની આવડત સાબિત કરી હતી. ચૂંટણીની ચોપાટ એવી રીતે ગોઠવી કે કોંગ્રેસના ગઢના કાંગરા ઉડી ગયા હતા.
અહીંથી શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ચૂંટણી લડયા હતા અને કારમી રીતે હાર્યા હતા. તેઓએ રીકાઉન્ટીંગની માંગણી કરી હતી પરંતુ તેમા પણ મતમાં કોઇ ફેર ન પડતા હતાશ થઇ ગયા હતા.
દિગુભા જાડેજાએ વોર્ડ નં.2માંથી ગત વખતે જંપલાવ્યું હતું અને હાર્યા હતા અને આ વખતે હિજરત કરી વોર્ડ નં.1માં ગયા હતા અને પરાજયનો સ્વાદ ચાખવો પડયો હતો. આમ વિપક્ષના પૂર્વ નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખના પરાજયથી કોંગ્રેસની છાવણીમાં હતાશાનું મોજુ ફરી વળ્યું છે. આ વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનવર સંઘાર આપમાં ગયા હતા અને ઉમેદવાર પણ જાહેર થઇ ગયા હતા.
પરંતુ રાજયમંત્રી અને જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રિવાબા જાડેજાએ થોડી જ કલાકોમાં ઓપરેશન પાર પાડી ફરી તેને ભાજપમાં ભેળવી દીધા હતા. આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા વોર્ડ નં.1ના પૂર્વ કોર્પોરેટર નૂરમામદ પલેજાની ટિકીટ કાપીને ચુંટણી લડયા હતા. આથી નૂરમામદ પલેજા પણ રિવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસથી ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસ સાથે પોતાનો રાજકીય હિસાબ પૂરો કર્યો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt