અંબાજીમાં ભાજપના ગઢમાં 40 વર્ષ બાદ ગાબડું,કોંગ્રેસની જીત
અંબાજી,28 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. શહેરી વિસ્તારની તમામ 15 મનપા પર ભાજપનું કમળ ખીલ્યું છે. 15 મનપામાં વિપક્ષે નામ માત્રની બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પહેલા રસ્તા પર ઠે
Congress wins in Ambaji after 40 years


અંબાજી,28 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. શહેરી વિસ્તારની તમામ 15 મનપા પર ભાજપનું કમળ ખીલ્યું છે. 15 મનપામાં વિપક્ષે નામ માત્રની બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પહેલા રસ્તા પર ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો જે પરિણામ પરથી લાગે છે કે EVM સુધી નથી પહોંચ્યો.

અંબાજીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસે તાલુકા અને જિલ્લા પંચાયતની મુખ્ય બેઠકો જીત મેળવી છે. આવું થતા ભાજપના રાજકિય ગઢમાં 40 વર્ષ બાદ ગાબડું પડ્યું છે, ખાસ પરિણામને અંબાજી કોરિડોર વિકાસથી લોકોમાં અસંતોષ હોવાનું એક કારણ મનાવાય છે.

ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અચંબિત કરનારું પરિણામ સામે આવ્યું છે. છેલ્લા ચાર દાયકાથી મજબૂત ગણાતો ભાજપનો ગઢ આ વખતે હચમચી ગયો છે અને તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ ત્રણ બેઠકો પર કોંગ્રેસે ભવ્ય જીત નોંધાવી છે. આ પરિણામ માત્ર સીટોની જીત નહીં, પરંતુ સ્થાનિક સ્તરે ઉભેલા અસંતોષ અને રાજકીય સંદેશનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે.

અંબાજી વિસ્તાર પરંપરાગત રીતે ભાજપ માટે મજબૂત મતદારોનો વિસ્તાર માનવામાં આવતો હતો. પરંતુ આ ચૂંટણીમાં મતદારોના મિજાજમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો છે. ખાસ કરીને અંબાજી કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં રહેલો રોષ આ પરિણામ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વિકાસના નામે થતી કામગીરીઓ દરમિયાન અનેક પરિવારોને સ્થળાંતર અથવા ઘરો ગુમાવવાની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને લોકોમાં અસંતોષ વધ્યો હતો.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે.

દાંતા તાલુકાની આદર્શ સ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરીમાં અંબાજી તાલુકા પંચાયતની બેઠક નંબર 1, 2 અને 3 પર કોંગ્રેસના ઉમેદવારોનો શાનદાર વિજય થયો છે. જ્યારે જિલ્લા પંચાયતની અંબાજી બેઠક ઉપર પણ કોંગ્રેસના ઉમેદવાર જયાબેન ગઢવીનો ભવ્ય વિજય થયો છે. આ બેઠકો પર વર્ષોથી ભાજપનું પ્રભુત્વ હતું, પરંતુ આ વખતે કોંગ્રેસે આ મજબૂત ગઢમાં ગાબડું પાડ્યું છે. હંમેશા ભાજપ તરફી રહેતા મતદારોએ આ વખતે પરિવર્તન લાવીને કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સ્થાનિક લોકોનો મત છે કે, વિકાસના પ્રોજેક્ટોમાં તેમની સાથે પૂરતો સંવાદ કરવામાં આવ્યો નહીં. “અમારી ઉપર વિકાસ થોપવામાં આવ્યો” જેવી લાગણીઓ મતદારોમાં પ્રબળ બની હતી. આ અસંતોષ મતદાનમાં સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયો છે. મતદારો દ્વારા આ નિર્ણયને એક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે કે વિકાસની પ્રક્રિયામાં લોકોની સહમતી અને ભાગીદારી અનિવાર્ય છે.

માત્ર કોરિડોર પ્રોજેક્ટ જ નહીં, પરંતુ મંદિર વહીવટ અને સ્થાનિક પ્રશાસન પ્રત્યેની અસંતોષની લાગણીઓ પણ ચૂંટણીમાં અસરકારક બની હોવાનું માનવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં સત્તાના અહંકાર અને સામાન્ય લોકો સાથેના વર્તન અંગે પ્રશ્નો ઊભા થયા હતા, જે મતદારોના નિર્ણયને પ્રભાવિત કરનાર તત્વ તરીકે સામે આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande