





પોરબંદર, 28 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે યોજાયેલી મતગણતરીની પ્રક્રિયા આજે, તા. 28 એપ્રિલે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. સવારે શરૂ થયેલી મતગણતરી જિલ્લાભરના વિવિધ નિયત કેન્દ્રોમાં નિયમ અનુસાર હાથ ધરવામાં આવી હતી.
પોરબંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના વોર્ડોની પેટાચૂંટણીઓ માટેના મતોની ગણતરી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયાના સંકલનમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. અને વિજેતાઓની જાહેરાત કરીને તેમને તે અંગેના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રક્રિયામાં પ્રાંત અધિકારીઓ, રિટર્નિંગ ઓફિસરો (આરઓ) તેમજ ચૂંટણી કાર્યમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો દ્વારા સઘન અને સુવ્યવસ્થિત કામગીરી કરવામાં આવી હતી.
મતગણતરી દરમિયાન દરેક કેન્દ્રો પર યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.
પોરબંદર મહાનગરપાલિકાની મતગણતરી માટે સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે મીડિયા સેન્ટર ઊભું કરીને વિશાળ એલઇડી સ્ક્રીન ગોઠવવામાં આવી હતી, જેના માધ્યમથી લાઇવ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મતગણતરીની માહિતી વ્યાપક રીતે જનતા સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya