
નવસારી, 28 એપ્રિલ (હિ.સ.) નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાત્રે આરક સિસોદ્રા પાટીયા નજીક અજાણ્યા વાહને બાઈક સવારને પાછળથી જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગયું હતું. આ હિટ એન્ડ રન ઘટનાએ વિસ્તારના લોકોમાં ચિંતા ફેલાવી છે.
મૃતકની ઓળખ બારડોલીના મંગુ રાજુભાઈ હળપતિ તરીકે થઈ છે, જે નોકરી માટે નવસારીથી પલસાણા તરફ જઈ રહ્યા હતા. અકસ્માત દરમિયાન તેઓ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. જાણ થતાં જ વેસ્મા આઉટ પોસ્ટ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પણ સંભાળી હતી.
આ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. ધોળપીપળાથી વેસ્મા ઓવરબ્રિજ સુધીનો માર્ગ ‘બ્લેક સ્પોટ’ બની ગયો છે, જ્યાં 15થી વધુ અકસ્માતોમાં 8થી વધુ લોકોના મોત થયા છે. ખાસ કરીને રાત્રિના સમયે વધતા હિટ એન્ડ રન બનાવો પોલીસ પેટ્રોલિંગ અને માર્ગ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે