ભુજ તાલુકા-જિલ્લા પંચાયતના રાજકીય ભાગ્યનો આજે ફેંસલો: 150 કર્મચારીઓ વચ્ચે મતગણતરી શરૂ, બપોર સુધી ચિત્ર થશે સ્પષ્ટ
કચ્છ, 28 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લાના ગ્રામ્ય રાજકારણમાં આજે નિર્ણાયક દિવસ છે. જિલ્લાની સૌથી પ્રતિષ્ઠિત અને રાજકીય રીતે ચર્ચાસ્પદ ગણાતી ભુજ તાલુકા પંચાયતની 30 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે આજે મંગળવારે મતગણતરી હાથ ધરાશે. રવિવારે ભારે ઉત
કચ્છ ભુજ મત ગણતરી


કચ્છ, 28 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લાના ગ્રામ્ય રાજકારણમાં આજે નિર્ણાયક દિવસ છે. જિલ્લાની સૌથી પ્રતિષ્ઠિત અને રાજકીય રીતે ચર્ચાસ્પદ ગણાતી ભુજ તાલુકા પંચાયતની 30 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે આજે મંગળવારે મતગણતરી હાથ ધરાશે. રવિવારે ભારે ઉત્સાહ વચ્ચે પૂર્ણ થયેલા મતદાન બાદ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો ફેંસલો હવે ગણતરી ટેબલ પર થવાનો છે. સવારે શરૂ થતી આ પ્રક્રિયા બપોર સુધીમાં સ્પષ્ટ પરિણામો આપશે તેવી સંભાવના છે, જેના કારણે રાજકીય પક્ષો, ઉમેદવારો અને ગ્રામ્ય મતદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ વખતે ભુજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને વિશેષ મહત્વ મળ્યું છે કારણ કે આ બેઠકો માત્ર સંખ્યાબળનો પ્રશ્ન નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય પકડ, વિકાસના મુદ્દા અને પક્ષોની લોકસ્વીકાર્યતાનો સીધો ઈશારો પણ આપશે. કુલ 2,09,105 નોંધાયેલા મતદારોમાંથી 1,43,222 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે ગ્રામ્ય મતદારોમાં નોંધપાત્ર રસ દર્શાવે છે.

મતગણતરી માટે ભુજ સ્થિત સરકારી એન્જિનિયરિંગ કોલેજને કેન્દ્ર બનાવવામાં આવી છે. કોલેજના બીજા માળે રૂમ નંબર 303 અને 304માં સઘન સુરક્ષા વચ્ચે ગણતરીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કુલ 293 બુથમાંથી આવેલા મતોની ગણતરી માટે 150થી વધુ કર્મચારીઓ, સુપરવાઈઝરો, માઈક્રો ઓબ્ઝર્વરો અને સહાયક સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક રાઉન્ડ પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે બેઠકવાર પરિણામોની જાહેરાત સ્પીકર સિસ્ટમ મારફતે કરવામાં આવશે. વિસ્તાર વિશાળ અને ઉમેદવારોની સંખ્યા વધુ હોવાને કારણે આખી પ્રક્રિયા પૂર્ણ થવામાં બપોરે બે વાગ્યા સુધીનો સમય લાગી શકે છે.

રવિવારે યોજાયેલા મતદાનના આંકડાઓએ એક રસપ્રદ રાજકીય સંકેત આપ્યો હતો. ભુજ તાલુકાના સરહદી અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ ખાસ નોંધાયો હતો, જ્યાં મતદાન ટકાવારી ઊંચી રહી હતી. બીજી તરફ અર્ધશહેરી વિસ્તારોમાં મતદાનનો પ્રતિસાદ તુલનાત્મક રીતે નબળો રહ્યો હતો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ જ મતદાન પેટર્ન આજે પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

ભુજ તાલુકા પંચાયતની આ ચૂંટણીમાં એક વિશેષ પરિસ્થિતિ એ છે કે કુલ 32 બેઠકોમાંથી બે બેઠકો અગાઉથી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીની 30 બેઠકો પર સીધી ટક્કર જોવા મળી રહી છે. જિલ્લા પંચાયતની 8 બેઠકો પર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર પ્રતિસ્પર્ધા છે. ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ચા કીટલીઓથી લઈને વાડીઓ સુધી હાર-જીતના અંદાજો, જાતિ સમીકરણો અને મતદાનના ગણિતની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

ઈતિહાસ પર નજર કરીએ તો ભુજ તાલુકા પંચાયત હંમેશા રાજકીય પ્રભાવનું કેન્દ્ર રહી છે. વર્ષ 1963થી 1993 સુધી સતત ત્રણ દાયકાઓ સુધી અહીં કોંગ્રેસનું શાસન રહ્યું હતું. ત્યારબાદ થોડાક સમય માટે વહીવટદાર શાસન આવ્યા બાદ 1995માં ભાજપે પ્રથમ વખત પંચાયત પર કબજો કર્યો હતો. ત્યારથી ભાજપનું વર્ચસ્વ યથાવત રહ્યું છે અને ગ્રામ્ય સંગઠનશક્તિમાં પક્ષે મજબૂત પાયો ઉભો કર્યો છે.

ગત ટર્મના આંકડાઓ પણ ભાજપની મજબૂત સ્થિતિ દર્શાવે છે. તાલુકા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી ભાજપે 24 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 8 બેઠકો મળી હતી. જિલ્લા પંચાયતની ભુજ તાલુકાની 8 બેઠકોમાંથી 6 ભાજપ અને 2 કોંગ્રેસના ફાળે ગઈ હતી. આ વખતે કોંગ્રેસ ગ્રામ્ય અસંતોષ, સ્થાનિક પ્રશ્નો અને ઉમેદવાર આધારિત મતદાન પર આશા રાખી રહી છે, જ્યારે ભાજપ પોતાની સંગઠનશક્તિ અને સત્તાના વિકાસ કામોને આધાર બનાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે.

આજની મતગણતરી માત્ર સીટોની ગણતરી નહીં પરંતુ ભુજ તાલુકાના ગ્રામ્ય રાજકારણમાં આવનારા પાંચ વર્ષનું દિશા નિર્ધારણ પણ સાબિત થશે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યમાં કઈ પાર્ટીનું પ્રભુત્વ રહેશે, કોના હાથમાં વિકાસની કમાન જશે અને કયા વિસ્તારોમાં રાજકીય સમીકરણો બદલાશે તે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ભુજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આ પરિણામો સમગ્ર કચ્છના રાજકીય પરિસ્થિતિમાં નવો સંદેશ આપનારા બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande