
કચ્છ, 28 એપ્રિલ (હિ.સ.) : દેશભરમાં નાના રોકાણકારોને લલચાવી શંકાસ્પદ શેલ કંપનીઓના શેરમાં કૃત્રિમ તેજી ઊભી કરીને અબજો રૂપિયાનું ગોટાળું આચરનાર સંગઠિત શેરબજાર નેટવર્કની તપાસ હવે કચ્છ સુધી આવી પહોંચી હોવાનું બહાર આવી રહ્યું છે. મુંબઈ, ગુડગાંવ અને અમદાવાદ સહિતના શહેરોમાં થયેલી તપાસ બાદ મળેલા ડિજિટલ પુરાવાઓ અને નાણાકીય ટ્રેઇલના આધારે સેબી અને અન્ય તપાસ એજન્સીઓએ કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક શેરબજાર સંકળાયેલા ખેલાડીઓ પર નજર ગોઠવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ખાસ કરીને ભુજના બે અને માધાપર વિસ્તારના એક યુવાનનું નામ તપાસના ઘેરામાં આવતાં સ્થાનિક રોકાણ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
₹1ના શેરને ₹40 સુધી પહોંચાડવાની સુયોજિત રમત
તપાસમાં સામે આવ્યું છે કે દેશમાં કાર્યરત 18થી વધુ એગ્રો અને નાના વ્યવસાયના નામે નોંધાયેલ કંપનીઓ વાસ્તવમાં માત્ર કાગળ પર જીવતી શેલ કંપનીઓ હતી. આ કંપનીઓમાં કોઈ મોટો બિઝનેસ ટર્નઓવર કે ઉત્પાદન પ્રવૃત્તિ ન હોવા છતાં તેમના શેરના ભાવમાં અસ્વાભાવિક રીતે હજારો ગણો ઉછાળો નોંધાયો હતો. માત્ર એક-બે રૂપિયાના શેરને સતત ખરીદી-વેચાણના નકલી દબાણથી 30થી 40 રૂપિયાની સપાટીએ લઈ જવામાં આવતા હતા.
આ આખી પ્રક્રિયામાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ટેલિગ્રામની ખાનગી ચેનલોનો વ્યાપક ઉપયોગ થતો હતો. “મલ્ટિબેગર શેર”, “અગામી રોકેટ”, “સિક્રેટ ઇનસાઇડર ટિપ” જેવા સંદેશાઓ દ્વારા હજારો નાના રોકાણકારોને આ શેર ખરીદવા પ્રેરવામાં આવતા હતા. શરૂઆતમાં કેટલાક રોકાણકારોને નફો દેખાડીને વિશ્વાસ જીતવામાં આવતો, જેના કારણે વધુ લોકો લાખો રૂપિયાનું રોકાણ કરવા દોડતા હતા.
નાના રોકાણકારો ફસાયા, પ્રમોટરોએ માલ ખાલી કર્યો
જ્યારે શેરના ભાવ કૃત્રિમ રીતે ટોચે પહોંચતા, ત્યારે આ શેલ કંપનીઓના સંચાલકો અને તેમની સાથે જોડાયેલા ઓપરેટરો પોતાની પાસેનો જથ્થાબંધ હિસ્સો બજારમાં વેચી નાખતા. પરિણામે થોડા જ દિવસોમાં 40 રૂપિયાનો શેર બે કે ત્રણ રૂપિયે આવી પડતો અને હજારો રોકાણકારોના લાખો રૂપિયા પાણીમાં જતા. આને જ શેરબજારમાં “પંપ એન્ડ ડમ્પ” મોડલ તરીકે ઓળખવામાં આવે છે.
તપાસ એજન્સીઓએ માન્યું છે કે આ સમગ્ર ગેમ માત્ર ઓનલાઈન ટિપ્સ સુધી મર્યાદિત નહોતી, પરંતુ દેશના વિવિધ શહેરોમાં બેઠેલા બ્રોકર, ડબ્બા ટ્રેડિંગ કરનાર ઓપરેટર, સોશિયલ મીડિયા એડમિન અને શેલ કંપનીના નિયંત્રણકર્તાઓ વચ્ચે સુયોજિત સેટિંગથી ચલાવવામાં આવતી હતી.
મુંબઈથી અમદાવાદ સુધી દરોડા, ડિજિટલ ડેટામાં કચ્છના કનેક્શન
મુખ્ય સૂત્રધારોની ધરપકડ બાદ જપ્ત કરાયેલા લેપટોપ, મોબાઇલ, ચેટ બેકઅપ, બેંકિંગ ટ્રાંઝેક્શન અને ડિમેટ એકાઉન્ટ ડેટાની ફોરેન્સિક તપાસમાં અનેક ચોંકાવનારા કનેક્શન સામે આવ્યા છે. એમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક સક્રિય ટ્રેડરોના નામ વારંવાર સામે આવતા તપાસનો ફોકસ આ વિસ્તારમાં વધ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભુજના બે યુવાન અને માધાપરના એક શેરસંકળાયેલા વ્યક્તિએ ચોક્કસ શેલ કંપનીઓના શેરમાં વોલ્યુમ ઊભું કરાવવા, સ્થાનિક રોકાણકારોને પ્રેરવા તથા સર્ક્યુલર ટ્રેડિંગમાં ટેક્નિકલ મદદ કર્યાની આશંકા છે. આ ઉપરાંત ડબ્બા ટ્રેડિંગ અને બિનઅધિકૃત રોકાણ સલાહના માધ્યમથી કાળા નાણાંને બજારમાં ફેરવવાના તાર પણ તપાસમાં જોડાયા હોવાનું મનાય છે.
સ્થાનિક વેપારી પરિવારનો સંતાન પણ રડારમાં?
ભુજની જથ્થાબંધ બજાર સાથે સંકળાયેલા એક જાણીતા વેપારીના સંતાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન શેરટ્રેડિંગમાં અસામાન્ય કમાણી થતી હોવાની શંકા અગાઉથી જ તપાસ એજન્સીઓ સુધી પહોંચી હતી. શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો અને ઘટાડા વચ્ચે મોટા પ્રમાણમાં ફંડ મૂવમેન્ટ જોવા મળતાં સેબીએ ગુપ્ત વોચ ગોઠવી હતી. હવે મુખ્ય આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવા આ લિંક સુધી પહોંચતાં કચ્છનો દોર વધુ મજબૂત બન્યો હોવાનું કહેવાય છે.
આગામી દિવસોમાં વધુ કાર્યવાહી સંભવિત
તપાસ હજુ પ્રાથમિક તબક્કે હોવા છતાં એજન્સીઓ પાસે ઉપલબ્ધ ડિજિટલ પુરાવા, બેંકિંગ લેયરિંગ, ડિમેટ હોલ્ડિંગ્સ અને સોશિયલ મીડિયા કૉમ્યુનિકેશનના આધારે વધુ નામો બહાર આવે તેવી સંભાવના છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સક્રિય એવા શેરબજારના અનૌપચારિક સલાહકારો, ડબ્બા ટ્રેડિંગ ચલાવનારાઓ અને હાઈ-રિસ્ક ટિપ્સ વેચનાર જૂથો સામે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે છે.
આ સમગ્ર પ્રકરણથી ફરી એકવાર સાબિત થયું છે કે “ઝડપી નફો”ના લોભમાં અજાણી કંપનીઓમાં રોકાણ કરનાર નાના રોકાણકારો સૌથી મોટો ભોગ બને છે, જ્યારે ગોઠવણબાજો કરોડો કમાઈ ગાયબ થઈ જાય છે. કચ્છ સુધી પહોંચેલા આ શેરકૌભાંડના તાર હવે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar