
કચ્છ, 28 એપ્રિલ (હિ.સ.) : ભચાઉ સ્પેશિયલ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : 20 વર્ષની સખત કેદ, પીડિતાને રૂ.5 લાખ વળતર અપાશે. કચ્છના રાપર પંથકમાં વર્ષના આરંભે બનેલી એક અત્યંત સંવેદનશીલ અને સમાજને ઝંઝોળી મૂકે તેવી ઘટનામાં હવે ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ પડકારજનક નિર્ણય આવ્યો છે. માનસિક રીતે અક્ષમ અને નિર્દોષ સગીરાને શિકાર બનાવી તેની આબરુ સાથે ચેડાં કરનાર નરાધમ સામે ભચાઉની સ્પેશિયલ પોક્સો કોર્ટે કડક વલણ દાખવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ પીડિત કિશોરીને રૂ.5 લાખનું વળતર ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ ચુકાદો માત્ર એક કેસનો અંત નથી, પરંતુ બાળ સુરક્ષા અને મહિલા સન્માનના પ્રશ્ને કાયદાની અડગતા દર્શાવતો મજબૂત સંદેશ માનવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાપર વિસ્તારમાં વસવાટ કરતી 15 વર્ષની માનસિક રીતે થોડી નબળી સગીરાની માતા રોજિંદા મજૂરી કામ માટે બહાર ગઈ હતી. તે દરમિયાન ઘરમાં એકલી રહેલી આ બાળકી પર આરોપી શિવા મોહનભાઈ કોળીની નજર પડી હતી. આરોપીએ તેની માનસિક સ્થિતિનો લાભ લઈ તેને લલચાવી-ફોસલાવી નજીકના એક એકાંત વિસ્તારમાં લઈ જઈ અમાનવીય કૃત્ય આચર્યું હતું. સાંજના સમયે માતા ઘરે પરત ફરી ત્યારે દીકરી ગાયબ હોવાનું ધ્યાન આવ્યું. આસપાસ શોધખોળ કરતાં પેટ્રોલ પંપ પાછળ ઝાડીઓમાં કિશોરી રડતી અને ગભરાયેલી હાલતમાં મળી આવી હતી. કપડાં વિખરાયેલા, શરીર પર ધૂળ અને ભયના ચિહ્નો જોઈ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ઘરે લાવ્યા બાદ કિશોરીએ પોતાની મર્યાદિત ભાષામાં જે રીતે ઘટનાની જાણ કરી તે સાંભળી પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. તેણે ‘શિવા’ નામના શખ્સે પોતાના સાથે જબરજસ્તી કર્યાનું જણાવ્યું હતું. આ માહિતી મળતા જ પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સાથે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસમાં કચ્છ પોલીસની ઝડપી કામગીરી નોંધપાત્ર રહી હતી. ઘટના બાદ માત્ર 12 દિવસની અંદર જ તમામ જરૂરી સાક્ષીઓ, મેડિકલ પુરાવા, જન્મતારીખના દાખલા અને અન્ય દસ્તાવેજી આધાર મેળવી કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. બાળ સુરક્ષા સંબંધિત કેસોમાં સમયસર તપાસ કેટલી જરૂરી છે તેનો આ કેસ એક દાખલો બન્યો છે.
ભચાઉ ખાતે આવેલી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ મજબૂત અને તથ્યઆધારિત દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીએ એક એવી કિશોરીને નિશાન બનાવી જેના પાસે પોતાની રક્ષા કરવાની ક્ષમતા નહોતી. માનસિક રીતે નબળી હોવા છતાં પીડિતાએ કોર્ટમાં આરોપીની ઓળખ કરી અને પોતાના સાથે બનેલી ઘટiના અંગે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા. મેડિકલ રિપોર્ટ, સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓએ આરોપીની સંડોવણીને વધુ મજબૂત બનાવી હતી.
સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ અંદલીપ તિવારીએ તમામ પુરાવાઓ અને દલીલોનું ગંભીરતાપૂર્વક મૂલ્યાંકન કર્યા બાદ આરોપી શિવા મોહનભાઈ કોળીને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કારાવાસની સજા સાથે દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત પીડિત કિશોરીના પુનર્વસન અને માનસિક સહાય માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે કુલ રૂ.5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. દંડની રકમ પણ પીડિતાના માતા-પિતાને વળતર સ્વરૂપે ચૂકવાશે.
આ ચુકાદો માત્ર કોર્ટરૂમની કાર્યવાહી પૂરતો મર્યાદિત નથી. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આ નિર્ણય એ રીતે જોવામાં આવી રહ્યો છે કે બાળકી, સગીરા, દિવ્યાંગ અથવા અસહાય વ્યક્તિઓ સામે અત્યાચાર કરનાર માટે કાયદો હવે વધુ સખત અને સજાગ બની રહ્યો છે. સમાજમાં વધતી જતી મહિલા અને બાળ સુરક્ષાની ચિંતાઓ વચ્ચે આ પ્રકારના કડક ચુકાદા ભવિષ્યના ગુનેગારો માટે ચેતવણી સમાન છે.
રાપરની આ કરુણ ઘટના આજે ન્યાયના મંચે પહોંચી છે, જ્યાં પીડિતાને થોડું સહારું અને સમાજને એક સ્પષ્ટ સંદેશ મળ્યો છે — નિર્દોષતા પર હુમલો કરનારને કાયદો ક્યારેય માફ નહીં કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar