
જામનગર, 28 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને શહેરના રાજકારણમાં ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. ૧૬ વોર્ડની કુલ ૬૪ બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જનાદેશ મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષોના સૂપડા સાફ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોટાભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલો વિજેતા બની છે, જેના કારણે જામનગર મહાનગરપાલિકામાં ફરીથી કેસરીયો લહેરાયો છે.
ચૂંટણીના સૌથી ચોંકાવનારા પરિણામોની વાત કરીએ તો, વોર્ડ નંબર ૧ માં ભાજપે અણધારી સફળતા મેળવતા આખી પેનલનો વિજય થયો છે. અહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને શહેર પ્રમુખ દિગુભા જાડેજાનો પરાજય થયો છે, જે કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવે છે. આ વોર્ડમાં અમર મોદી, વકીલ ઈસ્માઈલ માણેક, ઝરીનાબેન સુંભાણિયા અને સારાબેન ચમડિયાએ જવલંત વિજય મેળવ્યો છે. તેવી જ રીતે વોર્ડ નંબર ૨ થી લઈને વોર્ડ નંબર ૧૬ સુધીના મોટાભાગના વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોએ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે.
વોર્ડ નંબર ૨ માં કમલાબેન મકવાણા અને જયરાજસિંહ જાડેજા સહિતની પેનલ જીતી છે, જ્યારે વોર્ડ નંબર ૩, ૫, ૬ અને ૯ માં પણ ભાજપની પેનલોએ વિરોધીઓને પછાડીને વિજય પતાકા લહેરાવી છે. વોર્ડ નંબર ૯ માં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર સુનિલ આશરની હાર થઈ છે. વોર્ડ નંબર ૧૦ માં ભાજપના આશાબેન રાઠોડ અને સંજય દાઉદિયા સહિતના ઉમેદવારોએ ૧૦ હજારથી વધુ મતો મેળવીને પ્રચંડ વિજય હાંસલ કર્યો છે.
આ ઉપરાંત વોર્ડ નંબર ૧૧, ૧૩, ૧૪, ૧૫ અને ૧૬ માં પણ ભાજપનો એકતરફી ઝુકાવ જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૧૪ માં રીટાબેન જોટંગિયા અગાઉ જ બિનહરીફ જાહેર થયા હતા.
જોકે, વોર્ડ નંબર ૧૨ ના પરિણામો ભાજપ માટે નિરાશાજનક રહ્યા છે, કારણ કે અહીં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી. આ વોર્ડમાં બે બેઠકો કોંગ્રેસને અને બે બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે. આમ આદમી પાર્ટીના અસ્લમ ખીલજી અને જેનબબેન ખફી વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસના અલ્તાફ ખફી અને સહારાબેન મકવાણાએ પોતાની બેઠકો જાળવી રાખી છે. ખાસ નોંધનીય છે કે વોર્ડ નંબર ૧૨ માં વિજેતા થયેલા ઉમેદવારોમાં જેલમાં રહેલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.
સમગ્ર જામનગરમાં ભાજપના આ વિજય બાદ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિજય સરઘસ કાઢવામાં આવ્યા છે. કેટલાક વોર્ડમાં રસાકસી બાદ સાંકડી બહુમતીથી જીત થઈ છે, તો ક્યાંક મોટા ગજાના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. કુલ મળીને, જામનગરની જનતાએ વિકાસના મુદ્દે ભાજપને સ્પષ્ટ બહુમતી આપી સત્તાનું સૂકાન સોંપ્યું છે. આ પરિણામો આગામી સમયમાં શહેરના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો લાવશે તેવું જણાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt