
મહેસાણા, 28 એપ્રિલ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 13માં ભાજપ ઉમેદવારોની પેનલે ભવ્ય વિજય મેળવતા ખુશીનો માહોલ છવાયો છે. આ જીતમાં સૌથી ખાસ વાત એ રહી કે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે, જે સામાન્ય કાર્યકરથી જનપ્રતિનિધિ બનવાની પ્રેરણાદાયી સફર બની છે.
રમેશભાઈ ભીલ લાંબા સમયથી ભાજપ સંગઠન સાથે જોડાયેલા રહી કાર્યકર તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા હતા. પાર્ટીએ તેમની મહેનત અને સમર્પણને માન આપી વોર્ડ 13માંથી ઉમેદવાર તરીકે તક આપી હતી. મતદાતાઓએ પણ વિશ્વાસ વ્યક્ત કરી તેમને વિજયી બનાવ્યા છે.
વોર્ડ 13માં ભાજપની સમગ્ર પેનલને મતદારોનો બહોળો સમર્થન મળતા જીત નોંધાઈ હતી. જીત બાદ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યાલય ખાતે શુભેચ્છાઓનો ધસારો રહ્યો હતો.
રમેશભાઈ ભીલે જીત બાદ જણાવ્યું કે સામાન્ય કાર્યકર પર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો તે તેમના માટે ગૌરવની બાબત છે. તેઓ કોર્પોરેટર તરીકે પ્રજાની સેવા, વિસ્તારના વિકાસ અને લોકોની સમસ્યાઓના ઉકેલ માટે સતત કાર્યરત રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ જીતે કાર્યકરોમાં નવી ઊર્જા અને પ્રેરણા જગાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR