
મેડ્રિડ, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.)। મેડ્રિડ ઓપન 2026માં મોટો ઉલટફેર જોવા મળ્યો, જ્યાં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન એલેના રાયબાકીનાને ચોથા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ, પુરૂષ વર્ગમાં જર્મનીના સ્ટાર ખેલાડી એલેક્ઝાન્ડર જ્વેરેવે શાનદાર પ્રદર્શન કરતા આગામી રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.
રાયબાકીનાને પોટાપોવાએ ચોંકાવી
વિશ્વ નંબર-2 કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાને 56મી રેન્કિંગ ધરાવતી અનાસ્તાસિયા પોટાપોવાએ 7-6 (10-8), 6-4 થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી. પ્રથમ સેટમાં બંને ખેલાડીઓએ બે-બે વખત સર્વિસ બ્રેક કરી હતી, ત્યારબાદ ટાઈ-બ્રેકમાં પોટાપોવાએ બાજી મારી હતી.
બીજા સેટમાં રાયબાકીનાએ સરસાઈ જરૂર મેળવી હતી, પરંતુ પોટાપોવાએ વાપસી કરતા આઠમી અને દસમી ગેમમાં બ્રેક મેળવીને મેચ પોતાના નામે કરી લીધી. જીત બાદ પોટાપોવાએ કહ્યું કે આ મુકાબલો તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો અને ટીમની મદદથી તેઓ જીત હાંસલ કરી શક્યા.
જ્વેરેવનું દમદાર પ્રદર્શન
પુરૂષ સિંગલ્સ વર્ગમાં બીજી વરીયતા પ્રાપ્ત એલેક્ઝાન્ડર જ્વેરેવે ફ્રાન્સના ટેરેન્સ એટમેનને સીધા સેટોમાં 6-3, 7-6 (7-2) થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. જ્વેરેવે પ્રથમ સેટમાં બે વાર સર્વિસ બ્રેક કરીને સરસાઈ મેળવી હતી, જ્યારે બીજા સેટમાં કડક મુકાબલો જોવા મળ્યો હતો, જેને તેમણે ટાઈ-બ્રેકમાં જીતી લીધો હતો.
બ્લોક્સનો મોટો ઉલટફેર
આ ઉપરાંત બેલ્જિયમના યુવા ખેલાડી એલેક્ઝાન્ડર બ્લોક્સે મોટો ઉલટફેર કરતા વિશ્વના નંબર-5 કેનેડિયન ખેલાડી ફેલિક્સ ઓગર-અલિયાસિમેને 7-6 (7-3), 6-3 થી હરાવ્યા. ટોપ-10 ખેલાડી સામે બ્લોક્સની આ પ્રથમ જીત છે.
મેચ બાદ બ્લોક્સે કહ્યું કે, તેમને પોતાની રમત પર પૂરો વિશ્વાસ હતો અને તેમણે કોઈપણ દબાણ વગર શાનદાર પ્રદર્શન કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ