જામનગરના મહિલા સહિતના ત્રણ શખ્સોએ વિદેશ મોકલવાની લાલચ આપી વધુ બે સાથે છેતરપીંડી આચરી
જામનગર, 28 એપ્રિલ (હિ.સ.) જામનગરમાં પરદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરાયાનો વધુ એક ચકચારી કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. મહિલા સહિત ત્રણ આરોપીઓએ 6.70 લાખ રૂપિયા સેરવી લેતા સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ સામે ગુન્હો નોંધાયો છે.
ફ્રોડ


જામનગર, 28 એપ્રિલ (હિ.સ.) જામનગરમાં પરદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરાયાનો વધુ એક ચકચારી કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. મહિલા સહિત ત્રણ આરોપીઓએ 6.70 લાખ રૂપિયા સેરવી લેતા સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ સામે ગુન્હો નોંધાયો છે.

હાલ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે, મુખ્ય આરોપી સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ દિવસ પહેલા આવો જ એક ગુનો નોંધાયો છે. જેમાં ખંભાળિયા સહિતના યુવાનો ફસાયા હતા જે ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

જામનગર સીટી `સી' ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયેલી વિગત અનુસાર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા કાદિવાસી મઢીની બાજુમાં રહેતા ઇલાબેન ગલાભાઈ જાડેજાએ આરોપી રાજેન્દ્ર મુળુભાઇ રાજગોર અને નિઝામ યુસુફ સમા તથા રીઝવાના અમીરભાઈ સોરા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ આરોપી રાજેન્દ્ર મુળુભાઈ રાજગોર તેમજ નિઝામ યુસુફ સમા અને રીજવાના હમીરભાઈ સોરા એ મળીને ફરીયાદી પોરબંદરના ઇલા ગલાભાઈ જાડેજા અને અન્ય લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી હતી. આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂપિયા ચાર લાખ પચાસ હજાર અને અન્ય લોકો પાસેથી રૂપિયા બે લાખ વીસ હજાર મેળવી કુલ રૂપિયા છ લાખ સિત્તેર હજારની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

ફરિયાદી ઇલા ગલાભાઈ જાડેજા પાસેથી આરોપીઓએ પાસપોર્ટ મેળવી લીધા બાદ પણ કોઈને વિદેશ મોકલ્યા નહીં અને રૂપિયા પરત આપ્યા વગર વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande