
ભાવનગર,28 એપ્રિલ (હિ.સ.) ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની સાથે સાથે નાગરિકોને સૂકો અને ભીનો કચરો અલગ-અલગ રાખવાની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. આ માટે ખાસ IEC (Information, Education and Communication) એક્ટિવિટીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમો ઘર-ઘર જઈને નાગરિકોને સમજાવે છે કે ભીનો કચરો જેમ કે ખાદ્ય પદાર્થો, શાકભાજીનો કચરો અને બાગાયતી કચરો અલગ રાખવો જોઈએ, જ્યારે સૂકો કચરો જેમ કે પ્લાસ્ટિક, કાગળ અને ધાતુનો કચરો અલગ રાખવો જોઈએ. આ રીતે કચરાનું યોગ્ય વિભાજન થવાથી તેની રિસાયકલ પ્રક્રિયા સરળ બને છે અને પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં સ્વચ્છતા જાળવવાનો અને કચરાના વૈજ્ઞાનિક નિકાલને પ્રોત્સાહન આપવાનો છે. નાગરિકોનો સક્રિય સહકાર મળવાથી આ અભિયાન વધુ અસરકારક બનશે તેવી આશા મહાનગરપાલિકા વ્યક્ત કરી રહી છે.
ભાવનગર મહાનગરપાલિકાની આ પહેલ શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે. જો દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને કચરાનું યોગ્ય રીતે વિભાજન કરશે, તો સ્વચ્છતા અભિયાનને વધુ સફળતા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT