
અમરેલી, 29 એપ્રિલ (હિ.સ.) : અમરેલી શહેરમાં ભાજપના જીતેલ ઉમેદવારના સમર્થનમાં ભવ્ય વિજય અભિવાદન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં રાજ્યના મંત્રી કોશિક વેકારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો સાથે વિજય ઉજવણીમાં જોડાયા હતા. રેલી દરમિયાન શહેરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે અમરેલી ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતાં મંત્રી કોશિક વેકારીયાએ જણાવ્યું કે આ ભવ્ય વિજય રેલી જનતાના અપાર પ્રેમ અને કાર્યકરોના અદભૂત ઉત્સાહનો જીવંત દાખલો છે. તેમણે ઉમેર્યું કે આ જીત માત્ર એક પક્ષની નથી, પરંતુ લોકશાહી મૂલ્યો અને વિકાસની વિચારધારાની જીત છે.
ભારતીય જનતા પાર્ટીના જીતેલ ઉમેદવારને અભિનંદન પાઠવતાં તેમણે જણાવ્યું કે આ સફળતા પાછળ કાર્યકરોની અવિરત મહેનત અને જનતાના આશીર્વાદનો મોટો ફાળો રહ્યો છે. રેલી દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહભેર નારા લગાવવામાં આવ્યા હતા અને સમગ્ર શહેર દેશભક્તિ અને વિકાસના સંદેશોથી ગુંજી ઉઠ્યું હતું.
આ વિજય રેલીથી ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને આવનારા સમયમાં વિકાસના કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai