
રાજકોટ, 29 એપ્રિલ (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર આવેલી સીજીએસટી કચેરીમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા મુકેશ મનબોધ્ધ કુમાર (ઉ.વ.૪૩) અને તેના વચેટીયા એવા ટેક્ષ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયા (ઉ.વ.૩૩)ને એસીબીએ ગઈકાલે મોડી સાંજે રૂા.૨૦ લાખ જેવી માતબર રકમની લાંચ લેતા ઝડપી લઈ તપાસનો દૌર આગળ ધપાવ્યો છે. આ સમાચાર ફેલાઈ જતા સીજીએસટી કચેરીના સ્ટાફમાં સન્નાટો મચી ગયો હતો. એસીબી બન્ને આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે.
એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સી-જીએસટી કચેરીમાં જીએસટી ન ભરવા અને ખોટા બીલ બનાવવા બાબતે ફરિયાદી વિરૂધ્ધ અરજી થઈ હતી. જે અરજીની પતાવટ કરવા અને મોટો કેસ નહીં કરવાના અવેજ પેટે સી-જીએસટી ડિવીઝન-૧ અને રેન્જ-૫નાં સુપ્રિટેન્ડન્ટ મુકેશ કુમારે રૂા.૨પ લાખ જેવી માતબર રકમની લાંચ માગી હતી. રકઝકના અંતે રૂા.૨૦ લાખ લેવા તૈયાર થઈ ગયા હતા. તેણે લાંચની રકમ તેના વચેટિયા એવા આકાશ કલોલીયાને આપી દેવા સુચના આપી હતી.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. તે સાથે જ પી.આઈ. એ.એ. ખોખર અને પી.આઈ. પી.એ. દેકાવાડીયાએ ટ્રેપ ગોઠવી હતી. નક્કી થયા મુજબ આકાશ કલોલીયા આજે મોડી સાંજે લાંચની રકમ લેવા એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળના ક્રિએટીવ કોમ્પલેક્ષ પાસે ટુ વ્હીલર લઈને આવ્યો હતો. ફરિયાદીએ ટ્રેક તેને રૂા.ર૦ લાખની રકમ આપતા જ ટ્રેપમાં ગોઠવાયેલા એસીબીના અધિકારીઓએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો.
ત્યાર પછી તૈયાર બેઠેલી એસીબીની ટીમ સીજીએસટી કચેરી ખાતે ધસી ગઈ હતી. તે વખતે કચેરીનો સમય પુરો થઈ જતા પોતાની ઓફિસમાંથી બહાર નીકળી ફુટપાથ પર પહોંચેલા મુકેશ કુમારને પણ ઝડપી લીધો હતો. કલાસ વન અધિકારી મુકેશ કુમાર મૂળ ઝારખંડના વતની છે. હાલ રૈયા રોડ પર ભાડાના મકાનમાં રહે છે તેમ પણ એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું. નિયમ મુજબ એસીબીની ટીમે તેના મકાનની ઝડતી-તપાસ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt