
- જેલમાં જઈશું પણ ન્યાય અપાવીને જ રહીશું
- મૃતકને ન્યાય અને કંપની સામે એફઆઈઆરની માંગ સાથે ચૈતર વસાવાનો આક્રમક હૂંકાર
- પાંચ દિવસ સુધી ફરિયાદ નોંધી નહીં એટલે ઝઘડિયાની પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે
ભરૂચ, 29 એપ્રિલ (હિ.સ.) : ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ન્યાય અપાવવા માટે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય વહીવટીતંત્ર અને પોલીસ સામે સીધો મોરચો માંડ્યો છે. આ અંગે એક નિવેદન બહાર પાડતા ચૈતર વસાવાએ પોલીસની નિષ્ક્રિયતા પર પ્રહાર કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કાયદો બધા માટે સમાન હોવો જોઈએ.
પોલીસની કામગીરી પર ઉઠાવ્યા ગંભીર સવાલો
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે પ્રાથમિક તપાસ અને તારણ મુજબ જવાબદાર કંપની વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર દાખલ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પરંતુ, આ કિસ્સામાં પોલીસે આવી કોઈ જ કાર્યવાહી કરી નથી, જે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા અને પક્ષપાતી વલણને છતું કરે છે.
મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે પોતે કોઈપણ હદ સુધી જવા તૈયાર હોવાનું જણાવતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે, અમે જેલમાં જઈશું તો પણ વાંધો નથી, પરંતુ પરિવારને ન્યાય અપાવીને જ રહીશું. હું પરિવારને ખાતરી આપું છું કે તેમની સાથે અન્યાય નહીં થવા દઉં.
સરકાર અને પોલીસને ચીમકી આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હજારો ચૈતર વસાવાઓ આ લડતમાં જોડાવા અને જેલમાં જવા માટે તૈયાર છે. જ્યાં સુધી દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી નહીં થાય અને પરિવારને ન્યાય નહીં મળે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
ચૈતર વસાવાના આ આક્રમક નિવેદન જેલથી અમે ડરતા નથી, કામદારો માટે લડતા રહીશું બાદ હવે પોલીસ તંત્ર શું પગલાં લે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ