
ગાંધીનગર, 29 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની માલિકીની જાહેર કંપની ગાંધીનગર ગ્રીનલાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ (SPV)ની બીજી બોર્ડ મીટિંગ આજે સફળતાપૂર્વક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં શહેરમાં ટૂંક સમયમાં શરૂ થનાર PM e-બસ સિટી બસ સેવાઓના કાર્યક્ષમ અમલીકરણ અને તેના નીતિ-નિર્ધારણ માટે અનેક લોકઉપયોગી નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નવી બસ સેવા દ્વારા માત્ર ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારોને જ નહીં, પરંતુ શહેરની આસપાસના નજીકના ગ્રામ્ય વિસ્તારોને પણ સાંકળી લેવામાં આવશે, જેથી ગ્રામીણ જનતાને પરિવહનની ઉત્તમ સુવિધા મળી રહે.
શહેરીજનોમાં આ પર્યાવરણલક્ષી બસ સેવા પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો તેનો લાભ લે તે હેતુથી લોન્ચિંગના પ્રારંભિક 14 દિવસ સુધી તમામ મુસાફરો માટે મફત મુસાફરીની સુવિધા આપવાની વિશેષ વ્યૂહરચનાને મંજૂરી આપવામાં આવી છે. બસ સેવાનું ભાડું મુસાફરીના અંતરના આધારે નક્કી કરવામાં આવ્યું છે, જેમાં લઘુત્તમ ભાડું ₹5 અને મહત્તમ ભાડું ₹30 રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, સામાજિક જવાબદારીના ભાગરૂપે 5 વર્ષથી ઓછી વયના બાળકો માટે મુસાફરી નિઃશુલ્ક રહેશે તથા મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે દરેક બસમાં 4-4 બેઠકો અનામત રાખવાનો નિર્ણય લેવાયો છે. દિવ્યાંગ મુસાફરોની સુવિધા માટે બસોમાં હાઇડ્રોલીક પ્લેટફોર્મ સાથેની બોડિંગ-ડી બોડિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બોર્ડ દ્વારા પ્રીપેઈડ સ્માર્ટ કાર્ડ (પ્રમોશનલ પાસ) સિસ્ટમ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેના અંતર્ગત સ્માર્ટ કાર્ડ વપરાશકર્તાઓને નિયત ભાડામાં 10% સુધીની વિશેષ રાહત આપવામાં આવશે. આ તમામ નિર્ણયો સાથે ગાંધીનગર ગ્રીનલાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા અત્યાધુનિક ઈ-બસ સેવા ટૂંક સમયમાં પ્રજા માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ