
અમરેલી, 29 એપ્રિલ (હિ.સ.) : સાવરકુંડલા ખાતે આવેલ સ્પોર્ટ્સ સંકુલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે નાવલી પ્રીમિયર લીગ (અંડર-16) ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરી યુવા ખેલાડીઓમાં ઉત્સાહ ભરી દીધો હતો.
કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાલાએ યુવાનોને રમતગમતમાં આગળ વધવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં પરંતુ શિસ્ત, ટીમ સ્પિરિટ અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે યુવા ખેલાડીઓને ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રતિભા દર્શાવવા શુભેચ્છા પાઠવી હતી.
આ ટુર્નામેન્ટમાં આસપાસના ગામો અને શહેરોના અનેક યુવા ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે, જેનાથી ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ભાવના અને રમત પ્રત્યેનો જુસ્સો વધુ મજબૂત બનશે. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, રમતપ્રેમીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાવલી પ્રીમિયર લીગના આ આયોજનથી વિસ્તારમાં રમતગમતને નવી દિશા મળશે અને યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય દર્શાવવાનો ઉત્તમ મંચ પ્રાપ્ત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai