
જામનગર, 29 એપ્રિલ (હિ.સ.) : જામનગર-રાજકોટ હાઇવે પર વધુ એક અકસ્માતનો ગંભીર બનાવ સામે આવ્યો છે, હીટ એન્ડ રનના આ બનાવમાં ટ્રકચાલકે બેદરકારીથી ચલાવીને મોટરસાયકલને હડફેટે લેતા બે સાધુના ભોગ લેવાયા હતા, અકસ્માત સર્જીને નાશી ગયેલા ટ્રક ચાલકની શોધખોળ ચલાવવમાં આવી રહી છે. બીજા બનાવમાં આ માર્ગ પર શેખપાટી પાટીયે કારની હડફેટે રોડ ક્રોસ કરી રહેલા એક યુવાનને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ જામજોધપુરના ઉમા પાર્કમાં રહેતા અનુ મુળ હોથીજી ખડબા ગામના વતની ખેતીકામ કરતા સિંધાત રમેશભાઇ ડાંગરે ટ્રક નં. જીજે૧૨સીટી-૧૨૫૪ના ચાલક સામે ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ પોતાના હવાલાનો ટ્રક બેફીકરાઇથી ચલાવીને બાઇકને હડફેટે લીધુ હતું.
આ અંગેની વધુ જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે ઉપલેટાના હરીયાસણ ગામમાં આવેલા હનુમાનજી મંદિરમાં સેવા પુજા કરતા સાધુ બિજેન્દ્રમુની સુભષમુનીજી મોટરસાયકલ નં. જીજે૩૬કે-૨૪૮૨ લઇને તેમની સાથે સેવાપુજા કરતા ચંદ્રપાલ ઉર્ફે ચંદનમુની ધર્મસિંહ સાથે રાજકોટ જામનગર હાઇવે પરથી પસાર થઇ રહયા હતા દરમ્યાન ધ્રોલ માર્કેટીંગ યાર્ડ નજીક પહોચતા ઉપરોકત નંબરના ટ્રકચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાયકલને ટકકર મારી હતી.
આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને સાધુ ફંગોળાઇ ગયા હતા અને ગંભીર ઇજાઓ પહોચી હતી આથી હોસ્પીટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બિજેન્દ્રમુની અને ચંદ્રપાલના ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. બનાવની જાણ થતા ધ્રોલ પોલીસનો સ્ટાફ સ્થળ અને હોસ્પીટલ દોડી ગયો હતો વિગતો જાણી ફરયાદ નોંધી પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવામાં આવી રહયા છે આ બનાવના કારણે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
અકસ્માતનો બીજો બનાવ સાવરકુંડલાના સામતભાઇ મનસુખભાઇ વાઘેલા (ઉ.વ.૫૩)એ ગઇકાલે પંચ-એમાં ફોરવ્હીલ કાર નં. જીજે૫આરબી-૯૭૦૭ના ચાલક સામે ફરીયાદ કરી હતી કે, ફરીયાદીનો નાનો ભાઇ મેહુલ મનસુખભાઇ વાઘેલા તા. ૨૭ના શેખપાટ ગામ તરફ બકરા માટે ઘાસચારો લેવા ગયો હતો બપોરના ૧૨ વાગ્યાની આસપાસ પાટીયા પાસે રોડ ક્રોસ કરતો હતો ત્યારે રાજકોટ તરફથી ઉપરોકત નંબરની ફોરવ્હીલ ગાડીના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મેહુલભાઇને હડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં મેહુલને શરીરે છોલછાલ, ફેફસામાં ઇજા અને માથાની પાછળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચાડી હતી આથી યુવાનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt