
રાજકોટ, 29 એપ્રિલ (હિ.સ.) : ધોરાજીના વ્યાજખોર પાસેથી બિમારી માટે 72 વર્ષના વૃદ્ધે દાગીના ગીરવે મૂકી વ્યાજે લીધેલા રૂ.3 લાખના બદલામાં રૂ.2.16 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરે 12 તોલા સોનુ પરત ન આપતા પોલીસે વ્યાજખોર સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ, ધોરાજીના ભૂખી ગામે રામપીરના મંદિર પાસે રહેતાં માવજીભાઈ વિરજીભાઈ મકવાણા (ઉ.વ.72) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુરલીધર ભાયાણી (રહે. અમીધારા એપાર્ટમેન્ટ, ધોરાજી) નું નામ આપતાં ધોરાજી પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ હાલ નિવૃત જીવન ગાળે છે. પરીવારમા પત્ની તથા બે દિકરા અને ચાર દિકરી છે.
30-35 વર્ષ પહેલા તેઓ ધોરાજીના સુપેડી ગામ આવેલ સોલ્વટ પ્લાન્ટ નોકરી કરતો અને આ સોલ્વટ પ્લાન્ટમાં મુરલીધર ભાયાણી ભાગીદાર હતા. જેથી તેમની સાથે ઓળખાણ થયેલ હતી. મુરલીધર ભાયાણી સાથે અવાર નવાર આર્થીક વ્યવહાર કરેલ બાદ આઠેક વર્ષ પહેલા મોટા દિકરા મહેશભાઈના પત્નીની કેન્સરની બીમારી હોય અને પોતાનું એક્સીડન્ટ થયેલ હોય જેથી રૂપિયાની જરૂરત થતા મુરલીધર ભાયાણી પાસે આશરે 10 થી 12 તોલા સોનુ ગીરવે રાખી રૂ.3 લાખ 2 ટકા લેખે લીધેલ હતાં.
ત્યારે વાયદો એવો થયેલ કે, દર મહિને 2 ટકા વ્યાજના પૈસા રોકડમા આપવા જેથી સ્વખુશીથી આ વાયદો સ્વીકારેલ જે પૈસા આશરે ત્રણેક વર્ષ રોકડા મહીને છ હજાર નિયમીત વ્યાજ ચુકવેલ હતું. બાદ આર્થીક પરિસ્થિતી સારી થઈ જતા અને રૂપિયાની સગવડ થતા આરોપી પાસે ગયેલ અને કહેલ કે, મારી પાસે રૂપિયાની સગવડ થઈ ગઈ છે, અમારા દાગીના મને પરત આપો હું તમારા રૂપિયા 3 લાખ તમને પરત આપી દઉં તો તે અલગ અલગ વાયદા કરતા તેમજ કહેતા કે, તમે કુલ ચાર લાખ રુપીયા આપો અને ઘરેણ લઈ જાઓ.
જેથી ચાર લાખ રુપીયા લઈને ગયેલ તો આ મુરલીએ કહેલ કે, યોગી પાને આપી દયો, જેથી ચાર લાખ રુપીયા યોગી પાન ત્રણ દરવાજા પાસે પોસ્ટ ઓફીસ રોડ પર બેઠેલ રાજુભાઈને આપતા તેઓએ ઘરેણા આપેલ જે જોતા તેમા આપેલા દાગીનામાથી ત્રણ દાગીના ઓછા હોય જેથી આ દાગીના સ્વીકારેલ નહી અને પૈસા પરત લઈ લીધેલ હતાં.
બાદ મુદ્દલ રુપિયા ત્રણ લાખ તેમને આપવા હોય પરંતુ તે જ્યારે પણ મોબાઈલ ફોનથી કે રુબરુ જઈ સંપર્ક કરતા ત્યારે કોઈપણ બહાના કરી ફોન કાપી નાખે છે અને રુબરુ મળે તો ગલ્લા તલ્લા જવાબ આપે છે. જેથી જાણવા મળેલ કે, આ મુરલીએ અમારુ સોનુ પાછુ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી પોલીસે ગુનો નોંધી વ્યાજખોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt