
જુનાગઢ 29 એપ્રિલ (હિ.સ.) ગરમીના પ્રકોપ સામે કૃષિ પાકોના રક્ષણ માટે ખેડૂતોએ લેવાના સાવચેતીના પગલાં અંગે કૃષિ વિભાગ તરફથી માર્ગદર્શિકા બહાર પાડવામા આવી છે.
આ માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ સિંચાઈનું યોગ્ય આયોજન વહેલી સવારે અથવા સાંજે મોડે પાણી આપો, બપોરના તાપમાં નહિ.જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે હળવી પરંતુ સમયસર સિંચાઈ કરો.વધુ પાણી ભરાઈ રહે નહિ તેની કાળજી રાખો, ખાસ કરીને મગ, અડદ અને તલમાં.
મલ્ચિંગ (ભેજ જાળવવા) માટે પાકની હરોળ વચ્ચે સુકું ઘાસ, પાકના અવશેષ અથવા ઓર્ગેનિક મલ્ચ પાથરો તેનાથી જમીનનું તાપમાન ઓછું રહે અને પાણીનું બાષ્પીભવન ઘટે.પોષક તત્ત્વોનું સંચાલન માટે ગરમીમાં વધારે યુરિયા એકસાથે ન આપવું.પોટાશ આપવાથી છોડમાં ગરમી સહન કરવાની શક્તિ વધે જરૂર હોય તો 1% 19:19:19 અથવા 1% પોટાશિયમ નાઇટ્રેટનો છંટકાવ કરી શકાય.તીવ્ર ગરમીમાં ફૂલ ખરી જવાની શક્યતા રહે છે.એમા સૂક્ષ્મ પોષક તત્ત્વો (બોરોન, ઝીંક)નો હળવો છંટકાવ ફાયદાકારક રહે.ગરમીમાં થ્રિપ્સ, સફેદ માખી, ચૂસીયા જીવાતો વધી શકે છે. આ માટે નિયમિત ખેતર નિરીક્ષણ કરો અને જરૂર મુજબ નિયંત્રણ લો.
પાક પ્રમાણે ખાસ કાળજી લેવી જરૂરી છે. જેમાં તલમાં શરૂઆતની અવસ્થામાં ભેજ જળવાઈ રહે એ ખૂબ જરૂરી.પાણી ભરાવો નુકસાનકારક છે. મગ / અડદમાં ફૂલ આવવાની અને શીંગ ભરાવાની અવસ્થાએ પાણીની અછત ન પડે.વધારે ગરમીમાં ફૂલ ખરી શકે છે.મગફળીમાં ફૂલ અને પેગિંગ (ગાંઠ જમીનમાં જવાની અવસ્થા) સમયે પૂરતી ભેજ રાખવી.કઠણ સુકી જમીન બનવા ન દેવી.
વધુમાં ખેડુતોએ બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી તેમજ પરિપક્વ પાકની વહેલી તકે લણણી અને ઝુડણીની કાર્યવાહી ઠંડા પહોરમાં પૂર્ણ કરવી અને હવામાન વિભાગ તરફથી આવતી સુચનાઓનું પાલન કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ