
જૂનાગઢ, 29 એપ્રિલ (હિ.સ.) ખેડૂત હિતને ધ્યાને રાખી ભારત સરકાર દ્વારા એગ્રીસ્ટેક હેઠળ ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી ગ્રામ લેવલે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ ચાલુ રાખવા ફાર્મર રજીસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવાની હોય તેમજ નવા અરજદારોએ પીએમ કિસાન પોર્ટલ પર અરજી કરતા પહેલા ફાર્મર આઈડી મેળવવું જરૂરી છે. આ ઉપરાંત તમામ ખાતેદાર ખેડૂત તારીખ ૧૦/૫/૨૦૨૬ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે.
પીએમ કિસાન યોજનાના હપ્તા ચાલુ રાખવા અથવા તો જો બંધ થયેલ હોય તો શરૂ કરવા માટે ખેડૂત નોંધણી અવશ્ય કરાવવી.આગામી સમયમાં ફક્ત ખેડૂત નોંધણી કરાવેલા જ ખેડૂતોને સબસીડી યુક્ત રાસાયણિક ખાતરનો લાભ મળે તથા અન્ય એટલે કે ખેડૂત સિવાયના લોકો રાસાયણિક ખાતર ન ખરીદી શકે તે માટેનું આયોજન છે. તો સત્વરે આવા ખેડૂતો પોતાની નોંધણી કરાવી લે.
સરકારશ્રીની અન્ય યોજનાઓ જેવી કે ટેકાના ભાવે ખરીદી, પાક નુકસાની સહાય, આઇ ખેડૂત પોર્ટલ અંતર્ગત યોજનાના લાભ જેવી બાબતો પણ ખેડૂત નોંધણી સાથે જોડવાનું આયોજન વિચારણા હેઠળ છે.
સમગ્ર બાબતને ધ્યાને લઈને જિલ્લાના તમામ ખેડૂતો પોતાના હિત માટે ખેડૂત નોંધણી અવશ્ય કરાવે તેવી જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાના હાલના ૨૭,૬૮૯ ખેડૂતો કે જેઓ પીએમ કિસાન યોજનાના લાભ મેળવે છે પરંતુ ખેડૂત નોંધણી કરાવેલ નથી તો આવા તમામ ખેડૂતોને જિલ્લામાં તાત્કાલિક તેમના તલાટી મંત્રી શ્રી, ગ્રામ સેવકશ્રી, ગ્રામ પંચાયત ખાતે સંપર્ક કરી ખેડૂત નોંધણી કરાવે તેવી વિનંતી છે.
ખેડૂત લાભાર્થીઓ ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે જમીનની વિગતો, આધારકાર્ડ તેમજ આધાર લિંક મોબાઈલ નંબર થી ગામની ગ્રામ પંચાયત ખાતે વીસીઈ/સીએસસી સેન્ટર ખાતે તેમજ ખેડૂત જાતે https://gjfr.agristack.gov.in વેબસાઇટ મારફતે વિના મૂલ્યે ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે.
વધુ માહિતી માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, તલાટી કમ મંત્રી, VCE, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ