


કચ્છ, 29 એપ્રિલ (હિ.સ.) ભચાઉ નગરપાલિકા ફાયર ટીમની ત્વરિત કામગીરીથી ડ્રાઈવરનો બચાવ, આગ પર સમયસર કાબૂ મેળવવામાં સફળતા મળી. ભચાઉ તાલુકામાં આજે વહેલી સવારના સમયે ભચાઉથી ખારોઈ તરફ જતાં માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને ઈમરજન્સી સેવા 112 મારફતે કોલ મળ્યો હતો કે માર્ગ પર એક બોલેરો કારમાં આગ લાગી છે અને અકસ્માતની સ્થિતિ સર્જાઈ છે. માહિતી મળતાની સાથે જ ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કડોલ ગામ તરફથી ભચાઉ તરફ શાકભાજી ભરેલી બોલેરો ગાડી આવી રહી હતી. આ દરમિયાન અચાનક વાહનનો કાબૂ ગુમાવતા બોલેરો સીધી રસ્તા કિનારે આવેલા 11 કે.વી. વીજ થાંભલા સાથે જોરદાર અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે ગાડી પલટી મારી માર્ગ પરથી બાજુએ ખાબકી ગઈ હતી. અકસ્માત બાદ બોલેરોમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને થોડા જ ક્ષણોમાં વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી.
ઘટનાની ગંભીરતા સમજી ભચાઉ ફાયર ટીમે વિલંબ કર્યા વગર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સૌપ્રથમ અંદર ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર સેફ્ટી સાધનોની મદદથી સળગતી બોલેરો પર પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી સમયસર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. આગને કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
આગ બુઝાવ્યા બાદ માર્ગ અવરોધિત ન થાય અને નુકસાનગ્રસ્ત વાહનને સલામત સ્થળે ખસેડી શકાય તે માટે ક્રેન મંગાવવામાં આવી હતી. ક્રેનની મદદથી પલટી મારેલી બોલેરોને બહાર કાઢી રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે ભચાઉ-ખારોઈ માર્ગ પર વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત રહ્યો હતો.
આ સમગ્ર બચાવ અને આગ નિયંત્રણ કામગીરીમાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહે જહેમત ઉઠાવી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સતર્કતા અને સમયસૂચકતાને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો તેમજ વાહનમાં લાગેલી આગને નિયંત્રણમાં લઈ વધુ નુકસાન અટકાવવામાં સફળતા મળી હતી.
સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ જો ફાયર ટીમ થોડો પણ વિલંબ કરતી તો વીજ થાંભલા સાથે થયેલી અથડામણ અને આગને કારણે વધુ ગંભીર જાનહાનિ સર્જાઈ શકતી હતી. ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઇમરજન્સી સમયે તાત્કાલિક રેસ્પોન્સ કેટલો જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar